- રાજ્યના તમામ ST કર્મચારીઓ દ્વારા આંદોલન કરવામાં આવશે
- 20 જેટલા પડતર પ્રશ્નોને લઈને સરકાર સમક્ષ રજૂઆત કરાઈ
- હળતાલના કારણે લાખો મુસાફરો મુસીબતમાં મુકાઈ શકે છે
વડોદરા : નવરાત્રી સાથે જ તહેવારોની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે થોડા દિવસોમાં દિવળીનો તહેવાર પણ આવશે. પરંતુ તહેવારોના સમયમાં જ ગુજરાત એસ.ટી. વિભાગના એક નિર્ણયના કારણે લાખો મુસાફરોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. આવતી કાલે એટલે કે 20 ઓક્ટોબરથી તમામ એસ.ટી. કર્મચારીઓએ હળતાલનું એલાન કર્યું છે. જેના કારણે 20 ઓક્ટોબરની મધ્યરાત્રીથી જ રાજ્યની તમામ એસ.ટી. બસના પૈડાં થંભી જશે. પોતાની પડતર માંગને લઈને આજે મંગળવારે વડોદરાના મુખ્ય એસ.ટી. ડેપો ખાતે ડ્રાઈવર, કંડકટર સાથેના કર્મચારીઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું.
માંગણીઓ ન સંતોષાતા હળતાલનું એલાન
વર્ષ 2017થી પડતર માંગોને લઈને વિરોધ કરી રહ્યા છે. એસ.ટી વિભાગના કર્મચારીઓની 20 મુખ્ય મંગણીઓ ન સંતોષાતા હળતાલનું એલાન કરવામાં આવ્યું છે. આ હળતાલ અચોક્કસ મુદત સુધી રહેશે. આ પહેલા પણ એસ.ટી. ના કર્મચારીઓ દ્વારા હાથ પર કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. પોતાના પડતર પ્રશ્નોને લઈને તેઓ દ્વારા સરકાર સમક્ષ લેખિતમાં પણ રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ તેના પર સરકારનો કોઈ નિર્ણય ન આવતા હવે એસ.ટી.ના કર્મચારીઓ દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત આવતીકાલથી એટલે બુધવારથી તમામ એસ.ટી બસો બંધ રહેશે. ગુજરાત એસ.ટી વિભાગનો આ નિર્ણય લોકોને મુશ્કેલીમાં મુકી શકે છે.
લાખો મુસાફરો મુશ્કેલીમાં મુકાશે
તહેવારો નજીક આવતાની સાથે જ એસ.ટી. બસોમાં મુસાફરોની સંખ્યામાં ધરખમ વધારો થતો હોય છે. જેના કારણે આ સમયે વધારાની બસ પણ મુકવામાં આવતી હોય છે. મહત્વનું છે કે એસ.ટી. વિભાગના આ નિર્ણયથી રાજ્યના 42 લાખથી પણ વધુ મુસાફરોને તહેવારના સમયે ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. એટલું જ નહીં આ આંદોલનના કારણે વડોદરા ડિવિઝનને એક જ દિવસમાં રૂપિયા 42 લાખનું નુકશાન થશે. સાથે જ વડોદરાના અઢી લાખ મુસાફરો હળતાલના કારણે એક જ દિવસમાં મુસીબતમાં મુકાઈ શકે છે. એસ.ટી. વિભાગ અને સરકાર વચ્ચેની આ જંગમાં સામાન્ય માણસને મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો છે. ત્યારે જોવાનું રહ્યું કે અચોક્કસ મુદ્દતની હળતાલ ક્યારે પૂરી થશે.
આ પણ વાંચો ; ગુજરાત ભાજપ સરકારમાં રહેલા આ IAS અધિકારી છે PM મોદીની 'આંખ', 7વાર મળી ચૂક્યુ છે એક્સટેન્શન
આ પણ વાંચો ; સુરતના મીઠાઈ વિક્રેતાએ બનાવી 'ગોલ્ડન ઘારી', 9 હજાર રુપિયે કિલોના ભાવે થાય છે વેચાણ