વડોદરા: શહેરના સયાજીબાગ ખાતે આવેલ પ્રાણી સંગ્રહાલયમાં બે મહિના અગાઉ હિપ્પોપોટેમસના હુમલામાં ઝુ ક્યુરેટર અને સિક્યુરિટી ગાર્ડ ગંભીર રીતે ઘવાયા હતા. આ ઘટનાના બે મહિના બાદ સિક્યુરિટી ગાર્ડનું સારવાર દરમિયાન બ્રેઈન હેમરેજથી મોત નિપજ્યું હતું. આ સિક્યુરિટી ગાર્ડને ગંભીર ઇજાઓના પગલે જમણો પગ કાપવો પડ્યો હતો. મૃતક સિક્યુરિટી ગાર્ડના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યો હતો. પરિવારના મોભીનું મોત થતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
સારવાર દરમિયાન મોત: શહેરના સયાજીબાગ પ્રાણી સંગ્રહાલયમાં હિપ્પોપોટેમસના હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા સિક્યોરિટી ગાર્ડ રોહિત ઇથાપેનું બ્રેઈન હેમરેજથી આજે સારવાર દરમિયાન મોત થયું છે. સિક્યુરિટી ગાર્ડના અવસાનથી પરિવારમાં ગમગીની ફેલાઈ હતી. સયાજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ બાદ સિક્યોરિટી ગાર્ડના મૃતદેહને તેમના વતન પૂણે ખાતે લઇ જવામાં આવશે જ્યાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
ઘટના શું બની હતી?: સયાજીબાગ પ્રાણી સંગ્રહાલયમાં વિવિધ પ્રકારનાં હિંસક પ્રાણીઓ જોવા મળતા હોય છે. આ ઝૂમાં ક્યુરેટર પ્રત્યુષ પાટણકર ફરજ બજાવે છે. સમયાંતરે ઝૂ ક્યુરેટર સિક્યોરિટી જવાન સાથે પ્રાણીઓની આરોગ્યલક્ષી તપાસ માટે જતા હોય છે. તા. 9 માર્ચના રોજ પણ ઝૂ ક્યુરેટર પ્રત્યુષ પાટણકર સિક્યોરિટી ગાર્ડ સાથે પ્રાણીઓની સુરક્ષા તેમજ આરોગ્યલક્ષી તપાસ માટે રાઉન્ડમાં નીકળ્યા હતા. દરમ્યાન હિપ્પોપોટેમસને રાખવામાં આવતા પિંજરામાં ગયા હતા. દરમિયાન હિપ્પોપોટેમસે એકાએક ઝૂ ક્યુરેટર પ્રત્યુષ પાટણકર અને ઝૂ ક્યુરેટરને બચાવવા માટે પ્રયાસ કરનાર સિક્યોરિટી ગાર્ડ રોહિતભાઇ ઇથાપે ઉપર જીવલેણ હુમલો કર્યો હતો. હજાર સિક્યુરિટી જવાનોએ બંનેને જીવલેણ હુમલાથી બચાવી ગંભીર રીતે ગવાયેલ ઝૂ ક્યુરેટર અને સિક્યુરિટી ગાર્ડને હોસ્પિટલમાં ખસેડાયા હતા.
મૃતદેહના અંતિમસંસ્કાર વતન પુણે કરશે: હાલમાં સિક્યુરિટી જાવનના મોત બાદ પરિવારમાં આક્રંદ સાથે ખુબજ દુઃખદ ઘટના સામે આવતા પરિવાર લાચાર બન્યો છે. સિક્યુરિટી જવાનની બે મહિનાથી સારવાર ચાલી રહી હતી જેમાં ઇજાગ્રસ્ત થયેલ એક પગ પણ કાપવો પડ્યો હતો. પરંતુ આજે અચાનક બ્રેઈન હેમરેજથી મોત નીપજ્યું હતું. ગાર્ડન પરિવારમાં તેમની પત્ની, દીકરી અને દીકરો છે જેઓએ આજે પતિ અને પિતાની છત્રછાયા ગુમાવી છે. પરિવારનું ગુજરાન ચલાવનાર મોભીનું મોત થતા પરિવારમાં ગમગીની ફેલાઈ હતી. આ મૃતક સિક્યુરિટી ગાર્ડન પરિવારમાંથી સરકાર દ્વારા કોઇને નોકરી આપે તો તેમનું ગુજરાન ચાલી શકે છે. તેઓના મૃતદેહને વતન મહારાષ્ટ્રના પૂણે ખાતે અંતિમસંસ્કાર કરવામાં આવશે.