વડોદરાઃ છોટાઉદેપુરમાં નકલી ચલણી નોટો માર્કેટમાં ઘુસાડવાના(Counterfeit currency notes market) કેસમાં પકડાયેલા શાર્પ શૂટર અનિલ ઉર્ફે એન્થોની ગંગવાણીને પ્રતાપગંજની પૂજા હોટલમાંથી ભગાડી દેવાના ગુનામાં તેની પત્નિ અને બહેનની ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ આરોપીને મદદગારી કરનાર વધુ ત્રણ શખ્સોની પોલીસે અટકાયત કરી હતી. અત્યાર સુધીમાં પોલીસે કુલ 8 ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે.
એન્થોનીની પત્ની અને બહેની પોલીસે ધરપકડ કરી - છોટાઉદેપુરમાં રૂપિયા 500 ના દરની 1081 બોગસ ચલણી નોટો વેપારીને પધરાવવાના ગુનામાં ઝડપાયેલા માથાભારે ગુનેગાર અનિલ ઉર્ફે એન્થોની ગંગવાણીને પાઈલ્સની સારવાર માટે ગત તારીખ પાંચમી મેના રોજ સબજેલમાંથી પીએસઆઇ જે.પી.ડામોર સયાજી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા. તે દરમિયાન બપોરે એક વાગ્યાની આસપાસ એન્થોની તેની પત્નિ, પુત્રી અને બહેનને મળવાના બહાને પીએસઆઇ ડામોરને પ્રતાપગંજની પૂજા હોટલમાં લઈ ગયો હતો. જ્યાં અગાઉથી ઘડેલા પ્લાન મુજબ એન્થોની પીએસઆઇ ડામોરને તેના બે સાગરીતો સન્ની પંચોલી અને ડ્રાઇવર સાદિક મકરાણી સાથે રૂમમાં બેસાડીને ફરાર થઈ ગયો હતો. આ બનાવમાં સંડોવાયેલા આરોપીની પત્ની સુમન ગંગવાણી અને તેની બહેન જયશ્રી ભોજવાણી શહેર છોડી મુંબઈ ભાગે તે પહેલાં જ પીસીબી પોલીસે કારેલીબાગ વિસ્તારના જલારામ મંદિર પાસેથી બંનેને ઝડપી પાડી હતી.
આ પણ વાંચોઃ કુખ્યાત ગેંગસ્ટર એન્થોની વડોદરા પોલીસને ચકમો આપી ફરાર થતાં પોલીસ બેડામાં દોડધામ
મુંબઈ ભાગી જવાના ફિરાકમાં હતા - સયાજીગંજ પોલીસ મથકના પીઆઈ આર.જી.જાડેજાએ જણાવ્યું હતું કે એન્થોની ફરાર થયો હોવાના બનાવમાં સયાજીગંજ પોલીસે આઠ શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી PSI જે.પી ડામોરએ, પૂજા હોટલના મેનેજર સુનીલ પરમાર અને રૂમ બોય મનીષ મેકવાનની ધરપકડ કરી હતી.જ્યારે આરોપીની પત્નિ સુમન અને તેની બહેન જયશ્રી શહેર છોડીને મુંબઈ ભાગી જવાના ફિરાકમાં હતા. આ દરમિયાન પીસીબીને માહિતી મળી હતી કે સુમન અને જયશ્રી નાના બાળક સાથે ગુટકાના થેલામાં કપડાં ભરી કારેલીબાગ જલારામ મંદિર પાસે વાહનની રાહ જોઇને ઊભા છે.જેના આધારે પોલીસે સ્થળ પર પહોંચીને બંનેને ઝડપી પાડયા હતા.
આ પણ વાંચોઃ ફિલ્મ 'અમર અકબર એન્થોની'ના 43 વર્ષ પૂરા થયા, અમિતાભે શેર કરી તસરવીર
એન્થોનીને મદદ કરનાર વધુ ત્રણ શખ્સો ઝડપાયા - બીજી તરફ પોલીસે હોટલમાંથી CCTV ફૂટેજની ચકાસણી કરતાં એન્થોનીને મદદગારી કરનાર વધુ ત્રણ શખ્સો ઝડપાયા છે. સયાજીગંજ પોલીસે અજય ગાયકવાડ, મેહુલ ચાવડા અને કશ્યપ સોલંકીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે. જ્યારે બીજી તરફ એન્થોનીની પત્ની સુમન અને તેની બહેન જયશ્રીની પોલીસે આરોપીના લોકેશન બાબતે પૂછપરછ કરતાં ગોળ ગોળ જવાબ આપ્યા હતા. આ બન્ને મહિલા આરોપીને જલારામ મંદિર સુધી કોણ મૂકી ગયું બંને શહેર છોડીને ભાગવા કોના વાહનની રાહ જોઇને ઉભી હતી તે દિશામાં પણ તપાસ થઇ રહી છે. એન્થોની એમપી તરફ ભાગ્યો હોવાની શંકા પોલીસે સેવી ત્રણ જેટલી ટીમો પણ કામે લગાડી છે.