સુરત : હજીરાની આર્સેલર મિત્તલ કંપનીમાં વિસ્ફોટ થયાનો બનાવ બન્યો છે. અહીં લોખંડ પિગાળવાના કોરેક્સ પ્લાન્ટ-2માં બ્લાસ્ટ થયા બાદ ફ્લેશ ફાયર થઈ હતી. જ્યાં નજીકમાં લિફ્ટ રિપેરિંગ કામગીરી કરતા ચાર કોન્ટ્રાક્ટ કર્મચારીના દુઃખદ મોત થયા હતા. જ્યારે એક કાયમી કર્મચારીને ઈજા પહોંચી હતી. ઓક્સિજન લીકેજ થતા આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
AM/NS કંપનીમાં પ્રચંડ વિસ્ફોટ : આર્સેલર મિત્તલ કંપનીના કોરેક્સ પ્લાન્ટ-2 શટડાઉન બાદ ફરીથી કાર્યરત કરતી વેળા ધડાકાભેર બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ બાદ આગ લાગતા કંપનીના ફાયર ફાયટરોએ તાત્કાલિક ઘટનાસ્થળે ધસી જઈ આગ પર કાબુ મેળવી લીધો હતો. જોકે, આ ઘટનામાં પ્લાન્ટમાં જ લિફ્ટ રિપેરીંગની કામગીરી કરતાં યુબી એલિવેટર્સના ચાર કોન્ટ્રાક્ટ કર્મચારીઓ ઘટનાસ્થળે જ ભડથું થઈ ગયા હતા.
ઓળખી ન શકાય તે હદે બળ્યા મૃતદેહ : હજીરાની AM/NS કંપનીમાં પ્રચંડ વિસ્ફોટનો બનાવ બન્યો છે. જેમાં ચાર લોકોના મોત થયા છે. ચારેય મૃતકોના મૃતદેહ મોડી રાત્રે પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ મૃતદેહ ઓળખી શકાય તેમ નહીં હોવાથી ઘટનાના બીજા દિવસે સવારે DNA ટેસ્ટ કરાશે. DNA રિપોર્ટ બાદ પરિવારજનોને મૃતદેહ સોંપવામાં આવશે.
શું કંપની કઈ છુપાવવા માંગે છે ? આક્ષેપ છે કે, આ બનાવ બાદ કંપનીના જવાબદારોએ શરૂઆતમાં ઘટના છુપાવવા ભારે ધમપછાડા કર્યા હતા. કંપનીના જવાબદારોએ મોતનો મલાજો પણ ન જાળવ્યો અને બનાવ અંગે મૃતકોના પરિજનોને જાણ કરી ન હતી. પરિજનોની સાથે જિલ્લા કલેકટર, પોલીસ કે નોટિફાઈડ એરિયાના જવાબદાર અધિકારીઓને પણ ઘટનાની જાણ કરાઈ ન હતી.
કેવી રીતે થયો વિસ્ફોટ ? જોકે, એક સાથે ચાર કર્મચારીઓના મોત થતાં મોડે મોડે કંપનીએ જિલ્લા કલેક્ટર અને પોલીસને જાણ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, કોરેક્સ પ્લાન્ટ-2માં લોખડ પીગાળવામાં આવે છે. આ પ્લાન્ટમાં ચિમનીમાંથી પસાર થતો ઓક્સિજન લીકેજ થતા આગ લાગી હતી. હવે ઓક્સિજન કયા કારણોસર લીકેજ થયો તે તપાસનો વિષય છે.
મૃતકોના પરિજનોમાં આક્રોશ : AM/NS કંપનીમાં બ્લાસ્ટની ઘટનામાં ચાર કારીગરો મોતને ભેટ્યા હતા. મૃતકોનો પરિવાર સિવિલ હોસ્પિટલમાં આવતા ચારેયના મોત થયાની જાણ થઈ હતી. પરિવારજનોએ સિવિલના PM રૂમની બહાર હોબાળો મચાવ્યો હતો. મળતી માહિતી અનુસાર AM/NS કંપનીના પેટા કોન્ટ્રાક્ટરને આડેહાથ લીધો હતો.