અમદાવાદ : ઉત્તરાયણ એટલે પતંગનો તહેવાર. પતંગ એવી વસ્તુ છે જે તમને બાળપણમાં પાછા પહોંચાડી દેશે. મોટી ઉંમરના લોકો પણ કપાયેલો પતંગ જોતા પકડવાનો વિચાર કરે છે. ઉત્તરાયણના એક મહિના પહેલાથી પતંગ ખરીદવા માટે ગ્રાહકોની ભીડ પતંગ બજારમાં જામી છે. પરંતુ શું તમે જાણો છો કે પતંગ કેટલા પ્રકારની હોય છે ? અને હાલ બજારમાં કેવી પતંગ વધારે વેચાઈ રહી છે ? જાણો સમગ્ર વિગત ETV Bharat ના અહેવાલમાં...
કાલુપુર પતંગ બજાર : અમદાવાદ કાલુપુર પતંગ બજાર એક એવુ પતંગ બજાર છે, જ્યાં વર્ષોથી પતંગનો કારોબાર ચાલી રહ્યો છે. કાલુપુર ટાવરથી લઈને કાલુપુર દરવાજા સુધી લગભગ 50થી વધારે દુકાનોમાં પતંગ વેચાય છે. આખા ગુજરાતથી પતંગ ખરીદવા માટે ગ્રાહકો ઉમટી પડે છે. આ કાલુપુર પતંગ બજારમાં દરેક પ્રકારની પતંગો અને ન્યુ વેરાઈટી સાથે લોકોના હૃદય સ્પર્શી શકે એવી પતંગો મળે છે.
બજારમાં આવી અવનવી પતંગો : કાલુપુર પતંગ બજારના એક વેપારીએ જણાવ્યું કે, અમે ઘણા સમયથી પતંગનો વેપાર કરી રહ્યા છીએ. મારી હોલસેલની દુકાન છે, હું દરેક પ્રકારની પતંગ રાખું છું. અહીં અમદાવાદ અને રાજ્યના અન્ય જિલ્લાઓથી લોકો ખરીદી કરવા આવે છે. મારી પાસે ચાંદ, તારા, ફિશ, ચીલ, ઝાલર, ચોકઠા મોટી અને નાની દરેક પ્રકારની પતંગ છે, જેની કિંમત એક રૂપિયાથી લઈને 50 રૂપિયા સુધીની છે.
નાના વ્યાપારીઓ માટે મોટું પ્લેટફોર્મ : કાલુપુર પતંગ બજાર ફેમસ બજાર છે. અહીંયા દર વર્ષે નાના વેપારીઓ હોલસેલ પતંગ ખરીદવા પણ આવે છે. કાલુપુર પતંગ બજારમાં પતંગ ખરીદવા માટે આવેલા ગ્રાહકોએ ઉત્સાહ દર્શાવતા જણાવ્યું કે, અમે મહેસાણાથી પતંગ ખરીદવા માટે આવ્યા છીએ અને કાલુપુર પતંગ જોઈને અમે મજા આવી ગઈ. અહીંયાથી અમે પતંગ લઈને જઈશું અને ત્યાં પતંગ વેચીશું.
રાજ્યભરના પતંગ રસિકોની પસંદ : અન્ય એક ગ્રાહકે જણાવ્યું કે, હું પાટણથી આવ્યો છું અને મને અમદાવાદથી પતંગ લેવામાં ખૂબ જ રસ છે. હું દર વર્ષે અહીંયા આવું છું અને કાલુપુર બજારથી પતંગ લઈ જાઉં છું. હાલ પતંગ મોંઘી થઈ છે, પરંતુ ઉત્તરાયણમાં પતંગ ન ઉડાવીએ તો ના ચાલે. એટલે હું અહીંયા પતંગ ફિરકી અને રમકડા લેવા માટે આવ્યા છું અને દરેક પ્રકારની પતંગ જોઈને મારું દિલ ખુશ થઈ ગયું.
એક ગ્રાહકે જણાવ્યું કે, હું પતંગ લેવા માટે આવ્યા છું અને દર વર્ષે કનુભાઈની દુકાનમાંથી પતંગ લઈ જાઉં છું. એમની પાસે સારી અને સસ્તી પતંગ મળે છે. ઉતરાયણના દિવસે હું મારી ફેમિલી સાથે પતંગની મજા માણું છું. મને ચાંદ તારે અને ચીલ પતંગ બહુ જ ગમે છે. મારા બાળકો માટે હું નવી ડિઝાઈનવાળી નાની પતંગ પણ લઈ જાઉં છું.
માંગો એટલા પ્રકાર અને ડિઝાઇન : પતંગના પ્રકાર અને ડિઝાઇન વિશે વાત કરીએ તો મોટો પટ્ટાવાળો પતંગ અને નાના સાંકડા પટ્ટા વાળી પતંગ એટલે પટ્ટી, (પટ્ટો પટ્ટી) પતંગ, રોકેટ પતંગ, હાંડી પતંગ, ગરિયો (ત્રણ ભાગ વાલી પતંગ), ચોકડી અથવા ચોકઠું પતંગ, સોગઠી, પતંગ ચાંદ રાજ(ચાંદો ધરાવતો રાજા પતંગ), તારા વાળો પતંગ જેને સ્ટાર પતંગ કહેવામાં આવે છે. આવા ઘણા પ્રકારની પતંગ બજારમાં સરળતાથી મળી રહી છે.