વડોદરાઃ ડભોઇ પંથકમાં તસ્કરોનો તરખાટ દિવસેને દિવસે વધી રહ્યો છે. ત્યારે હવે, તસ્કરો ડીઝલ ચોરી કરતા હોવાનું પણ સામે આવી રહ્યુ છે. ડભોઇના ફરતીકૂઈથી વેગા - વડોદરા ડભોઇ હાઇવે ઉપર રાત્રીના ઊભા રહેતા ટ્રકોમાંથી કોઈ તસ્કર ટોળકી છેલ્લા 3 સપ્તાહથી ડીઝલ ચોરી કરી રહ્યા છે, જેનાથી ટ્રક ચાલકોમાં ભારે ફફળાટ વ્યાપ્યો છે.
ડભોઇ પંથકમાં ઘરોમાં ચોરી થવી એ સામાન્ય વાત થઈ ગઈ છે. છેલ્લા એક મહિનામાં 5 ઉપરાંત ચોરીની ફરિયાદ પોલીસ મથકના ચોપડે નોંધાઈ છે. ત્યારે હવે ચોરોએ ડીઝલ જેવા પ્રવાહીની ચોરીને પણ બાકાત રાખી નથી.
છેલ્લા ત્રણ સપ્તાહથી સપ્તાહમાં એક દિવસ મોટી કન્ટેનર ગાડી લઈ ડભોઇથી વડોદરા રોડ ઉપર રાત્રી સમયે પસાર થતી હોય છે, આ રોડ ઉપર દૂર દૂરથી આવતા ટ્રક ચાલકો જ્યારે રાત્રી રોકાણ માટે રોડની સાઈડ ઉપર ટ્રક ઊભી કરી આરામ ફરમાવતા હોય છે. તે અરસામાં ટ્રકોમાંથી ડીઝલની ટાંકીના તાળાં તોડી તેમાં પાઇપ નાખી ડીઝલની ચોરી કરતાં હોવાનું જાણવા મળ્યું છે. સોમવારે રાત્રીના 3 વાગ્યાના સુમારે આવોજ એક ડીઝલ ચોરીનો કિસ્સો સામે આવ્યો છે. ડભોઇ વડોદરા રોડ ઉપર તાલુકાના ફરતીકૂઈ ગામેથી વેગા રોડ ઉપર ઊભેલી 4 ઉપરાંત ટ્રકોમાંથી આશરે 1000 લિટર જેટલું ડીઝલ ચોરી થયું હોવાનું ટ્રકના ડ્રાઈવરોએ જણાવ્યુ છે.
ચોરી થયેલા ડિઝલની કિંમત અંદાજીત 76 હજારથી પણ વધુ હશે. ડભોઇ ફરતીકૂઈથી વેગા રોડ ઉપર બનતા આ બનાવને પગલે ટ્રક ચાલકોમાં ભારે ફફળાટ વ્યાપ્યો છે. ત્યારે પોલીસ રાત્રી પેટ્રોલીંગ વધારી ચોરને ઝડપી પાડે તેવી ટ્રક ચાલકોમાં માગ ઉઠવા પામી છે.