- શાસક પક્ષ પર ભ્રષ્ટાચારનો આક્ષેપ મૂકી કોંગ્રેસના મહિલા કાઉન્સીલરના ધરણા
- મંજૂરી વિના ધરણા પર બેઠેલા મહિલા કાઉન્સિલરની પોલીસે કરી ધરપકડ
- પોલીસ-મહિલા કાઉન્સિલર વચ્ચે ઘર્ષણના દૃશ્યો સર્જાયા
વડોદરાઃ મહા નગરપાલિકા તંત્ર દ્વારા ચાલતા ભ્રષ્ટાચારની વિરૂદ્ધમાં આજે ધરણા પર બેઠેલા કોંગ્રેસના મહિલા કાઉન્સિલર અમી રાવતની પોલીસે અટકાયત કરી હતી, જેને લઈ ઝપાઝપીના દૃશ્યો સર્જાયા હતા. વડોદરા મહાનગર પાલિકાના શાસકો દ્વારા સ્માર્ટ સિટીના નામે છેલ્લા પાંચ વર્ષ દરમિયાન આચરવામાં આવેલા ભ્રષ્ટાચાર અને ગેરવહિવટના આક્ષેપ સાથે કોંગ્રેસના મહિલા કોર્પોરેટર અમી રાવત કોર્પોરેશન કચેરી બહાર વરસતા વરસાદમાં ઉપવાસ ઉપર બેઠા હતા. પોલીસની મંજૂરી વિના સત્યાગ્રહ ઉપર બેઠેલા મહિલા કોર્પોરેટરની પોલીસે અટકાયત કરી લીધી હતી. આ સમયે પોલીસ અને મહિલા કોર્પોરેટર વચ્ચે ઝપાઝપી થઈ હતી.
લોકોના કરોડો રૂપિયાનો વહિવટ કરી ભ્રષ્ટચારરૂપી પ્રોજેક્ટ થકી કોન્ટ્રાક્ટરોને ફાયદો કરાવી કટકી મેળવી
વડોદરા શહેરના કોંગ્રેસી નગરસેવક અમી રાવતે આક્ષેપ કરતાં જણાવ્યું કે, વડોદરા મહાનગર પાલિકામાં ભાજપના શાસનમાં ફક્ત ભ્રષ્ટાચારનો વિકાસ થયો છે. છેલ્લા પાંચ વર્ષ દરમિયાન શાસકોએ નગરજનોના કરોડો રૂપિયાનો વહિવટ કરી ભ્રષ્ટચારરૂપી પ્રોજેક્ટ થકી કોન્ટ્રાક્ટરોને ફાયદો કરાવી કટકી મેળવી છે. સ્માર્ટ સિટીના નામ એ 10 હજાર લોકો બેઘર થઈ ગયા તેમનું ભવિષ્ય નિશ્ચિત નથી. લાખો લારી-ગલ્લા ધારકોને હજુ સુધી સ્ટ્રિટ વેન્ડર્સ પોલિસીમાં આવરી લેવાયા નથી.
નજીવા બિલો બને તેવા કામોમાં કોન્ટ્રાક્ટર સાથે સાંઠગાંઠ કરી મોટી ટકી મેળવી છે. જોકે, તેઓને સત્યાગ્રહ અંગેની પરવાનગી પોલીસે આપી ન હતી. આથી પોલીસે તેમની જાહેરનામાના ભંગ બદલ અટકાયત કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, શાસક અને વિપક્ષ વચ્ચે આક્ષેપબાજી થતી રહે છે, પરંતુ અમી રાવતે પુરાવા સાથે શાસકોની પોલ ખૂલ્લી પાડી હતી.