- કરજણ પેટાચૂંટણીને લઇ ચૂંટણી તંત્રની કાર્યવાહી
- ચૂંટણી અધિકારીએ ડીસ્પેચિંગ સેન્ટરની લીધી મુલાકાત
- વિતરણ કેન્દ્ર ખાતેથી પ્રથમ 15 રૂટ અને તે પછી નજીકના અન્ય 16 થી 31 રૂટ રવાના કરવાનું આયોજન
વડોદરાઃ જિલ્લા કલેકટર શાલિની અગ્રવાલે બેઠકના ચૂંટણી અધિકારી અને મદદનીશ ચૂંટણી અધિકારી,વિવિધ કામગીરી માટેના નોડલ અધિકારીઓ તેમજ ઝોનલ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. તમામ કામગીરી ક્ષતિરહિત થાય તે માટેની જરૂરી સૂચનાઓ આપી હતી. બેઠકના ચૂંટણી નિરીક્ષક જટાશંકર ચૌધરી તેમજ ખર્ચ નિરીક્ષક અભય કુમારે પણ વ્યવસ્થાનું નિરીક્ષણ કરવાની સાથે બેઠકોમાં માર્ગદર્શન આપ્યું હતું.
અધિકારીઓએ જરૂરી દિશા નિર્દેશો આપ્યા
ભારતના ચૂંટણી પંચે કોવિડ વિષયક જે ગાઈડ લાઇન નક્કી કરી છે. તેનું વિતરણ અને મતદાન પૂરું થયાં પછી રિસીવિંગ એટલે કે પરત સ્વીકાર સમયે મતદાન મથકે અને મતદાન દરમિયાન ચૂસ્ત પાલન કરવા બંને અધિકારીઓએ જરૂરી દિશા નિર્દેશો આપ્યા હતા.
વિતરણ કેન્દ્ર ખાતેથી પ્રથમ 15 રૂટ અને તે પછી નજીકના અન્ય 16 થી 31 રૂટ રવાના કરવાનું આયોજન
આ અંગે જાણકારી આપતાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી આર.પી.જોષીએ જણાવ્યું કે ડિસ્પેચ અને રિસીવિંગની સમગ્ર વ્યવસ્થા ભારતના ચૂંટણી પંચે ઠરાવેલા સામાન્ય નિયમો અને કોવિડ ગાઇડલાઇનને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. વિતરણ સમયે ભીડ ટાળવા પ્રથમવાર કોવિડ સામે સાવચેતીના ભાગરૂપે કુલ 31 રૂટ પૈકી પ્રથમ 15 રૂટની મતદાન ટુકડીઓને અને તે પછી નજીકના મતદાન મથકોએ જવાનું છે તેવા 16 થી 31 રૂટને રવાનગીનું આયોજન કરવામાં આવ્યું છે. કુલ 31 રૂટ માટે 31 ઝોનલ અધિકારીઓને, તેમની દેખરેખ હેઠળના 10 જેટલા મતદાન મથકો ખાતે ટીમ અને સામગ્રી સલામત રીતે પહોંચે અને સમયસર પહોંચે તેની સૂચના આપવામાં આવી છે. વિતરણ અને સ્વીકારની કામગીરી સમગ્ર કેન્દ્રને 5 વિભાગમાં વહેંચીને તેમજ પ્રત્યેક ટુકડીને લઈ જવા માટેના વાહનો સાથે સંકલન જળવાય એ રીતે આયોજન કરવામાં આવ્યું છે.
સુરક્ષા વ્યવસ્થા
આ સમગ્ર કામગીરી દરમિયાન આરોગ્ય ટુકડીઓ ઉપસ્થિતિ રહી જરૂરી કામગીરી કરશે. પોલીસ તંત્ર સાથે સુરક્ષા વ્યવસ્થાનું સમુચિત સંકલન કરવામાં આવ્યું છે. જિલ્લા ચૂંટણી અધિકારીએ મતદાનના દિવસે દરેક મતદાન મથકેથી મતદાનના આંકડા સમયસર મળે તેને લગતું માર્ગદર્શન આપવાની સાથે આઇ.ટી.ની ટીમો, મતદાન યંત્રોની સાર સંભાળ માટેની ટેકનિકલ ટીમો, ડેટા એન્ટ્રી ઇત્યાદિ બાબતો યોગ્ય રીતે અને સમયસર થાય એ માટે જરૂરી સૂચનાઓ આપી હતી.