વડોદરાઃ કોરોના વાઈરસની મહામારીના પગલે વડોદરાના ઇતિહાસમાં પ્રથમ વખત પાલિકાના સભા ખંડના બદલે ગાંધીનગર ગૃહમાં સભા મળી હતી.
કોવિડ-19ની ગાઇડ લાઇન મુજબ સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું જરૂરી છે. પાલિકાના સભા ખંડમાં સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું શક્ય ન હતું. જેથી સ્થળમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. કોંગ્રેસ-RSPના નેતાઓએ વેરા માફીની માંગ કરી હતી. આ ઉપરાંત પાલિકાની આર્થિક સ્થિતિ ડામાડોળ છે અને કોર્પોરેટરના ક્વોટાના કામો થતાં નથી અને કોરોનાના દર્દીઓને યોગ્ય સારવાર મળતી નથી તેવા પણ આક્ષેપો પણ કર્યાં હતા.
આ ઉપરાંત વડોદરામાં વધતા કોરોના કેસને લઇને સભા તોફાની બની હતી અને કોંગ્રેસ કોર્પોરેટરે કોરોનાનો મુદ્દો ઉઠાવતા ભાજપ-કોંગ્રેસ કોર્પોરેટરો સામ-સામે આવી ગયા હતા. ભાજપ મહિલા કોર્પોરેટર કંચન રાયે ગંભીર આરોપ મુક્યો હતો કે, કોંગ્રેસ કોર્પોરેટર ફરીદ કટપીસના વિસ્તાર નાગરવાડાથી વડોદરામાં કોરોનાનો વરસાદ થયો છે. સામાન્ય સભામાં સભા અધ્યક્ષ સહિત તમામ કાઉન્સિલરો માસ્ક પહેરીને હાજર રહ્યા હતા.
ગાંધીનગર ગૃહમાં મળેલી સામાન્ય સભામાં સભા અધ્યક્ષ સહિત તમામ કાઉન્સિલરો માસ્ક પહેરીને હાજર રહ્યા હતા. આ ઉપરાંત સભામાં ઉપસ્થિત રહેનાર કાઉન્સિલરો માટે સેનેટાઇઝરની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. સભાની પૂર્વ રાત્રે પોલીસ તંત્ર તેમજ કોર્પોરેશનના હોદ્દેદારો દ્વારા ગૃહની મુલાકાત લેવામાં આવી હતી.
આજે કોર્પોરેશનનો સભા ખંડ છોડીને ગાંધીનગર ગૃહમાં મળેલી સભા દરમિયાન કોઇ અપ્રિય ઘટના ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.