વડોદરાઃ હાલમાં કોરોના સંકટને અનુલક્ષીને લોકડાઉનના નિયમોને આધીન મંદિરના પટલ બંધ રાખવામાં આવ્યાં છે અને સન્મુખ દર્શન કરી શકાતા નથી. રાજ્ય સરકારે અનલૉક-1ના નિયમો પ્રમાણે તારીખ 8 જૂનથી તકેદારીઓ સાથે મંદિરો ખોલવાની અનુમતિ આપી છે. પરંતુ ટ્રસ્ટે ભાવિક ભક્તો ચેપમુકત રહે અને સહુનું આરોગ્ય જળવાયએ માટે 22મી સુધી મંદિર બંધ રાખવાનો નિર્ણય લીધો છે.
ભક્તો અને દર્શનાર્થીઓની સંખ્યાના પ્રમાણમાં મંદિર સંકુલ નાનું છે, એવો ઉલ્લેખ કરતાં ટ્રસ્ટના મેનેજર રજનીભાઇ પંડ્યાજીએ જણાવ્યું કે, ભક્તો સંક્રમણના જોખમથી મુક્ત સુરક્ષિત દર્શન કરી શકે તે માટે ટ્રસ્ટે સોશિયલ ડિસ્ટન્સ જળવાય, સેનેટાઈઝર સ્ટેન્ડ ઇત્યાદિની સુવિધા મળે અને સુરક્ષિત દર્શન શક્ય બને એવી તકેદારી સાથેની વ્યવસ્થાઓ ગોઠવવાની કામગીરી ચાલુ કરી છે.
ટ્રસ્ટ સહુ તંદુરસ્ત અને નિરોગી રહે એવી દાદાને પ્રાર્થના કરે છે. ભક્તોના આરોગ્યને નુકસાન થાય એ ભગવાનને પણ ગમે નહી. ગ્રામ વિસ્તાર હજુ મોટેભાગે કોરોનાના ચેપથી મુક્ત છે. એ સંજોગોમાં તકેદારીના પગલાં તરીકે ટ્રસ્ટ દ્વારા હાલમાં મંદિર ન ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સહુ આ હિતકારી નિર્ણયમાં સહયોગ આપશે એવી એમણે અપેક્ષા વ્યક્ત કરી છે.
ભક્તોના સન્મુખ દર્શનના વિકલ્પે ઓનલાઇન લિંક
www.youtube.com/shrikuberbhandari.karnali અને www.shreekuberbhandarikarnali.org ની મદદથી દર્શન કરે એવો એમણે ખાસ અનુરોધ કર્યો છે.