- ડબકાની મહીસાગર નદીમાં ફીણની ચાદર
- કંપનીઓ દ્વારા છોડાયેલા કેમિકલયુક્ત પાણી મહીસાગરમાં ફરી વળ્યાં
- ડબકા ગામના સરપંચે દર્શાવી નારાજગી
વડોદરા: જિલ્લાના પાદરા તાલુકામાં આવેલા ડબકા ગામમાં પવિત્ર મહીસાગર નદીમાં કેટલીક કંપનીઓ દ્વારા કેમિકલના પાણી મહીસાગર નદીમાં છોડતાં પૂનમની ભરતીએ આ પવિત્ર મહીસાગર નદીમાં ફીણ સ્વરૂપે કેમિકલ પરત આવ્યું છે. જેના કારણે મહીસાગર નદીના કિનારે આવેલા ગામોની ગાય-ભેંસને નુકસાન થાય છે સાથે મહીસાગર નદીમાં આવેલા જળચર જીવો પર પણ અસર થાય છે.
આ પણ વાંચો: રાજકોટ: જેતપુરમાં કારખાનાઓએ પ્રદુષિત પાણી છોડતા નદીમાં ફીણના ગોટા ઉડયા
લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરવામાં આવ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા
આ કેમિકલના ઝેરી ફીણના કારણે નદીએ આવતા નાગરિકોની ધાર્મિક લાગણીઓ પણ દુભાય છે. મહીસાગર નદી કિનારે આવેલા ગામોના સરપંચો દ્વારા આ કંપનીઓને વારંવાર જાણ કરવા છતાં પણ કેમિકલના ઝેરી પાણી છોડવાનું બંધ કરતા નથી. ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના જાડી ચામડીના અધિકારીઓ દ્વારા પણ આ ઝેરી કેમિકલ છોડતી કંપનીઓને કોઈપણ જાતની નોટિસ આપતા નથી. જેના કારણે આ કેમિકલનું ઝેરી પ્રવાહી છોડતાં માલિકોને છૂટો દોર મળી ગયો છે.
નદીને લોકમાતા તરીકે પૂજવામાં આવતી હોવાથી તેને પ્રદૂષિત કરતા લોકોની લાગણી દુભાઈ
આ અંગે માહિતી આપતા ડબકા ગામના સરપંચ મહેશભાઈ જાદવે જણાવ્યું હતું કે, મહીસાગર નદી લોકોની સીધી લાગણી સાથે જોડાયેલી અને જેને લોકમાતા તરીકે પૂજવામાં આવે છે. આ નદીમાં જે ફીણ જેવું દેખાઈ રહ્યું છે તે હકીકતમાં કંપનીઓ દ્વારા છોડવામાં આવેલા કેમિકલનું ફીણ છે. જેને લઈને અમારી લાગણી દુભાઈ છે.
આ પણ વાંચો: અંકલેશ્વર નજીક વધુ એક વખત કેનાલમાં પ્રદૂષિત પાણી વહેતા આક્રોશ
ઢોર-ઢાંખર તેમજ ગ્રામજનો અહીં પીવાના પાણીનો ઉપયોગ કરે છે
ઉનાળો ચાલી રહ્યો છે ત્યારે લોકોના ઢોર-ઢાંખર તેમજ ગ્રામજનો અહીં પીવાના પાણીનો ઉપયોગ કરે છે. એમના સ્વાસ્થ્ય સાથે સીધા ચેડાં થઈ રહ્યા છે. જે રીતે વડોદરાની પવિત્ર વિશ્વામિત્રી નદી ગંદા મળમુત્રથી પ્રદૂષિત નદી બની ગઈ છે. તેવી રીતે આ પવિત્ર મહીસાગર નદી કેમિકલયુક્ત નદી ન બને તેની કાળજી તંત્રના અધિકારીઓ અને સત્તામાં બેઠેલા રાજકારણીઓ ધ્યાન રાખે તેવી સામાજિક કાર્યકર અતુલ ગામેચીની માંગ છે.