વડોદરા: દાહોદ, વડોદરા, બારડોલી અને રાજસ્થાનના ગૌરક્ષાના કાર્યકરોને ચોક્કસ માહિતી મળી હતી કે, હરિયાણા પાર્સિંગવાળા કન્ટેઇનરમાં ગૌવંશ ભરી રાજસ્થાનથી હૈદરાબાદ લઈ જવામાં આવી રહ્યું છે. જેથી તેઓએ નેશનલ હાઇવે નંબર-8 પર દેણા ચોકડી પાસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન એક હરિયાણા પાર્સિંગનું બંધ બોડીનું કન્ટેઇનર આવતાં તેને ગૌરક્ષાના નેહા પટેલ સહિતના કાર્યકરોએ રોકવાનો પ્રયાસ કર્યો હતો.
જોકે, પકડાઈ જવાની બીકે કન્ટેનરના ચાલકે કન્ટેનરને તેઓની ઉપર નાખી દેવાના પ્રયાસ સાથે ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જેને લઈ ગૌરક્ષાના કાર્યકરોએ દેણા ચોકડીથી કન્ટેનરનો પીછો કર્યો હતો. તેવામાં એલ.એન્ડ.ટી કંપની પાસે ટ્રાફિક જામને લઈ આગળ પસાર નહીં થવાતાં કન્ટેનરને ત્યાંજ છોડી 5 શખ્સો નાસી છૂટ્યા હતા અને ગૌ વંશને બચાવી લેવામાં આવ્યું હતું. આ બનાવની જાણ કરવામાં આવતા પોલીસ પી.સી આર વાન સાથે પોલીસ પણ સ્થળ પર દોડી આવી હતી.
આ કન્ટેન્ટરમાં તપાસ કરતા તેમાંથી ડબલ પાટેશનમાં ઠસોઠસ ભરીને 70થી 80 જેટલા ગૌવંશ મળી આવ્યા હતાં. જેને પાંજરાપોળ ખાતે મોકલી પોલીસે કન્ટેનર મૂકી નાસી ગયેલ અજાણ્યા ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, ગૌરક્ષા અગ્રણી વડોદરાના નેહા પટેલ સહિતના ગૌરક્ષાના કાર્યકરોએ દેણા ચોકડીથી કન્ટેનરનો પીછો કર્યો હતો. જેમાં ઇસમોએ તેમના પર ગાડી ચઢાવી દેવાનો પણ પ્રયાસ કર્યો હતો. તેમ છતાં તેઓએ કન્ટેનરને નહીં અટકાવતા પથ્થરમારો પણ કર્યો હતો.
બાદમાં ના છૂટકે એલ.એન્ડ.ટી કંપની પાસે હાઇવે પર કાર્યકરોએ ટ્રાફિક જામ કરી કન્ટેનરનો ઝડપી પાડી ગૌવંશને બચાવી લીધું હતું. જો કે, કન્ટેનરના ચાલક સહિત 5 ઈસમો ભાગી છૂટ્યાં હતા. આ અંગે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.