કચ્છ: પ્રજ્ઞાચક્ષુ મહિલાઓની સિદ્ધિઓ તેમજ તેમની જીવનશૈલી, તેમના પ્રશ્નો પડકારો સાથે જીવતી મહિલાઓમાં રહેલી શક્તિ અંગે સમાજમાં જાગૃતતા લાવવાના ઉદ્દેશ્ય સાથે ગુજરાતના વિવિધ જિલ્લામાંથી આવેલ 55 જેટલી નેત્રહીન મહિલાઓ દ્વારા બનાવવામાં આવેલ 30થી વધુ વાનગીઓના ફૂડ ફેસ્ટિવલ - સંવેદનાનો સ્વાદોત્સવનું આયોજન ભુજના ભુજ હાટ ખાતે કરવામાં આવ્યું હતું.
નેત્રહીન મહિલાઓ માટે અનોખો ફૂડ ફેસ્ટિવલ: છેલ્લાં 10 વર્ષથી ભુજમાં કાર્યરત લાયન્સ ક્લબ ઓફ ભુજ કચ્છ સાઇટ પહેલી એકમાત્ર એવી ક્લબ છે. જેના બધા જ મેમ્બરો જોઈ શકતા નથી અથવા તો આંશિક રીતે જ જોઈ શકે છે. આવા તમામ લોકો ડોક્ટરર્સ, ટીચર, બિઝનેસ જેવા ક્ષેત્રોમાં કાર્યરત છે અને પોતાના દરેક કામ સ્વતંત્ર રીતે કરે છે. આ ક્લબના 20 જેટલા મેંમ્બર્સ સેરિબલ પોલ્ઝી અને ઓટિઝમ ધરાવતા બાળકોની નિ:શુલ્ક સારવાર કરે છે. તેમજ તેમના પુનર્વસન માટે પોતાની સેવાઓ આપે છે. આવા લોકો પોતાના ઉદ્દેશ્યને પાર પાડવા ભંડોળ ઊભું કરવા માટે તેઓ આ અનોખી ઇવેન્ટનું છેલ્લાં 9 વર્ષથી આયોજન કરે છે. જેમાં નેત્રહન મહિલાઓ દ્વારા બનાવવામાં આવેલા વિવિધ સ્વાદિષ્ટ વાનગીઓનો એક ફૂડ ફેસ્ટિવલ યોજવામાં આવે છે.
સંવેદનાનો સ્વાદોત્સવ: ભુજના ભુજ હાટમાં યોજાયેલા ફૂડ-ફેસ્ટિવલને 'સંવેદનાનો સ્વાદોત્સવ’ નામ આપવામાં આવ્યું હતું. ખરેખર આ ફેસ્ટિવલનું નામ પણ જે સંવેદનાને સાથે રાખીને રાખવામાં આવ્યું છે. તે પણ ખૂબ જ સરાહનીય છે. કારણ કે, જ્યાં સંવેદના આવે ત્યાં લાગણીઓ તેમજ દિલની વાતો આવે છે. પછી એ ભલેને શરીરનો કોઇ પણ અગત્યનો ભાગ છે. તે હોય કે ના હોય પણ તે અગત્યનું હોતું નથી. તે ગૌણ બની જતું હોય છે. સંવેદના હમેશા દિલથી જોડાયેલી હોય છે.
55 પ્રજ્ઞાચક્ષુ મહિલાઓએ ભાગ લીધો: 'સંવેદનાનો સ્વાદોત્સવ' માં ગુજરાતભરમાંથી જોઈ ન શકતી હોય તેવી 55 મહિલાઓએ ભાગ લીધો હતો. જેમણે પોતાના હાથે સ્વાદિષ્ટ ફરસાણ, મિષ્ટાન્ન, ચાટ, દેશી રોટલો, ઓળો, સાઉથ ઇન્ડિયન, નૉર્થ ઇન્ડિયન, સૂપથી લઈને ડેઝર્ટ સુધીની 30થી પણ વધુ વિવિધ વાનગીઓ બનાવી હતી. આ ફૂડ ફેસ્ટિવલમાં દરેક ભુજવાસીઓએ આ વાનગીઓનો સ્વાદ વિનામૂલ્યે માણ્યો હતો.આ સ્વાદોત્સવમાં દરેક મહિલાએ સરેરાશ 15 કિલો જેટલી વાનગી બનાવી હતી અને કુલ 400 કિલો જેટલી વાનગીઓ બનાવવામાં આવી હતી.
નેત્રહીન મહિલાઓની શક્તિઓનું અનોખું પ્રદર્શન: લાયન્સ ક્લબ ઑફ ભુજ કચ્છ સાઇટ ફર્સ્ટના ચૅરમૅન લાયન ધર્મેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, માતુશ્રી મંજુલાબેન જેઠાલાલ મોરબિયા ટ્રસ્ટ અને શ્રીમતી માલિની કિશોર સંઘવી ફાઉન્ડેશનના સતત સાથ સહકાર અને આર્થિક સહાયથી સંસ્થા પોતાનાં સેવા-કાર્યોનો વ્યાપ વધારી રહી છે અને તેમના સહયોગથી દર વર્ષે નેત્રહીન મહિલાઓમાં રહેલી શક્તિઓ પ્રદર્શિત કરવા તેમજ તેમને પ્રોત્સાહન આપવા માટે આવું આયોજન કરવામાં આવતું હોય છે. આ મહિલાઓ નેત્રહીન છે. પરંતુ અમુક મહિલાઓ આંશિક રીતે જ જોઈ શકે છે અને ખૂબ કુશળતાપૂર્વક પોતાનાં કાર્યો કરે છે.
પ્રજ્ઞાચક્ષુ મહિલાઓએ બનાવેલી વાનગીઓ: આ કાર્યક્રમમાં નેત્રહીન મહિલાઓ દ્વારા બનવેલી વાનગીઓની વાત કરવામાં આવે તો મહિલાઓએ સૂપ, બાસ્કેટ ચાટ, પાણીપુરી, ભેળ, મંચુરિયન, મોમોઝ, પાસ્તા, બ્રેડ પીઝા, બ્રેડ રોલ, મેદું વડા, ફિંગર ચિપ્સ, કટલેસ, સમોસા, વડાપાવ, વડા, ભજીયા, રગડા પેટીસ, તુવેર તોડા, પાવભાજી, દાલ બાટી, છોલે પુરી, ઓળો - રોટલો, કઢી- પુલાવ, પાપડ, સાબુદાણાની ખીચડી, અડદિયા, સુરતીદડના લાડુ, ખજૂરપાક , સાલમપાક, બીટના લાડુ, મહાપ્રસાદ, વેજ રોલ જેવી વાનગીઓ બનાવવામાં આવી હતી. જેમાં ભુજની વિવિધ સેવા સંસ્થા, લાયન્સ ક્લબની મહિલાઓ દ્વારા પણ દરેક સ્ટોલ પર નેત્રહીન મહિલાઓની સેવા અને મદદ માટે યોગદાન આપવામાં આવ્યું હતું.
સ્પર્શ અને સુગંધથી સામગ્રીઓની ઓળખાણ: આ ફૂડ ફેસ્ટિવલમાં ભાગ લેવા જૂનાગઢથી આવેલા વનીતાબેન વેલાણીએ જણાવ્યું હતું કે, તેમના સાથી મહિલા અમદાવાદના છે અને તેઓએ આ ફૂડ ફેસ્ટિવલમાં મેંદુ વડા બનાવ્યા છે. સામાન્ય મહિલાઓ તો રસોઈ તો બનાવે જ છે. પરંતુ નેત્રહીન મહિલાઓ પણ સ્વાદિષ્ટ રસોઇ બનાવી શકે છે. અમને આવી રીતે રસોઈ બનાવવાની મજા આવે છે. અમે રસોઈ બનાવતી વખતે સ્પર્શ અને સુગંધથી સામગ્રીઓને ઓળખીએ છીએ. ત્રીજી વખત આવા ફૂડ ફેસ્ટિવલમાં ભાગ લીધો છે. અન્ય નેત્રહીન મહિલાઓ પણ આવી પ્રવૃતિઓમાં ભાગ લે તેમજ જે મહિલાઓ જોઈ શકે છે. તે પણ જોવે કે, નેત્રહીન મહિલાઓ પણ ખૂબ સારી રીતે રસોઈ કરી શકે છે. ઉપરાંત જે નેત્રહીન મહિલાઓ કે, જે રસોઈ બનાવી શકતી નથી. તેઓ પણ આવા કાર્યક્રમો થકી પ્રેરણા લઇને શીખે.
પ્રજ્ઞાચક્ષુ મહિલા 7 થી 8 વર્ષથી લે છે ભાગ: આ ફૂડ ફેસ્ટિવલમાં ભાગ લેવા મહેસાણાથી આવેલા ભાવનાબેન મહેતાએ જણાવ્યું હતું કે, તેમણે આજે ફૂડ ફેસ્ટિવલમાં મોમોસ બનાવ્યા છે. છેલ્લાં 7-8 વર્ષથી તેઓ આ ફૂડ ફેસ્ટિવલમાં ભાગ લે છે અને ખૂબ સારા આયોજનથી તેમને ખૂબ આનંદ આવે છે. નેત્રહીન છીએ માટે તકલીફ તો પડે પરંતુ ભગવાનની કૃપાથી તમામ કામ સફળ થાય છે. કોઈ પણ મહિલા હોય તે સ્ટ્રોંગ જ હોય છે.
કુદરતે આપે તકલીફમાં પણ સારો ઉપાય: નેત્રહીન મહિલાના ફૂડ ફેસ્ટિવલને માણવા આવેલા ભુજના સ્થાનિક ઉત્કંઠાબેન ધોળકિયાએ જણાવ્યું હતું કે, આજે નેત્રહીન મહિલાઓ દ્વારા બનતી વાનગીના સ્ટોલ જોઈને ખૂબ આનંદ થઈ રહ્યો છે. જે મહિલાઓને આંખો નથી. તેમને કુદરતે જે કંઈ પણ તકલીફ આપી છે. તેની સામે તેમને વિશિષ્ટ શક્તિ પણ આપી છે. જે સામાન્ય મહિલાઓ રસોઈ બનાવી શકતી નથી. તેના કરતા પણ ખૂબ સારી રસોઈ તેઓએ બનાવે છે. ખાસ કરીને આ ફૂડ ફેસ્ટિવલનું નામ 'સંવેદનાનો સ્વાદોત્સવ' જે ખૂબ જ પસંદ કરવામાં આવ્યું છે. આવા આયોજન બદલ તમામ લોકોને અભિનંદન અને શુભેચ્છાઓ.
ડોનેશનનો ઉપયોગ અંધત્વથી પીડિત બાળકો માટે: આ ફૂડ ફેસ્ટિવલમાં દરેક સ્ટૉલ પર બૅનર લગાડવામાં આવ્યા હતા. જેમાં વાનગીનું નામ, વાનગી બનાવનાર મહિલાનું નામ, શહેરનું નામ લખવામાં આવ્યું હતું. આ ફૂડ ફેસ્ટિવલનો ઉદ્દેશ્ય એ હતો કે, લોકોને ખાસ સંદેશ મળે અને સમાજમાં જાગૃતિ આવે કે જોઈ ન શકતી વ્યક્તિઓ પણ દરેક કામ કરવામાં સક્ષમ હોય છે અને બધું કરી જ શકે છે. આ ફૂડ ફેસ્ટિવલમાં દાતાઓ તરફથી મળેલું દાન અને જાહેર જનતા તરફથી મળેલ ડોનેશનના ફન્ડનો ઉપયોગ સેરિબ્રલ પૉલ્ઝી અને ઑટિઝમ ધરાવતાં બાળકોની નિ:શુલ્ક સારવાર અને રીહૅબિલિટેશન માટે કરવામાં આવશે.
આ પણ વાંચો: