પોરબંદર: રવિવારે પોરબંદર એરપોર્ટના રનવે પર ભારતીય કોસ્ટ ગાર્ડનું હેલિકોપ્ટર કોઈ કારણસર ક્રેશ થયું હતું. જેમાં ત્રણ જવાનોએ જીવ ગુમાવ્યો હતો. મળતી માહિતી અનુસાર જાણવા મળે છે, આ ત્રણેય જવાનોના મૃતદેહને જીજી હોસ્પિટલમાં પીએમ માટે મોકલવામાં આવ્યા છે.
પોરબંદર એરપોર્ટના રનવે પર ભારતીય કોસ્ટ ગાર્ડનું હેલિકોપ્ટર લેન્ડ થતી વેળાએ ક્રેશ થતાં 3 જવાનોએ જીવ ગુમાવ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર સાંજના સમયે જામનગરની જીજી હોસ્પિટલમાં ફોરેન્સિક પીએમ અર્થે કોસ્ટગાર્ડના ત્રણ જવાનોના મૃતદેહોને લાવવામાં આવ્યા. પોરબંદર કોસ્ટગાર્ડના અધિકારી અને પોલીસ દ્વારા આ સમગ્ર કામગીરી કરવામાં આવી છે.
ફોરેન્સિક પીએમ થઈ ગયા બાદ જવાનોના મૃતદેહોને પોરબંદર લઈ જઈ જવામાં આવશે. જ્યાં આ ત્રણેય શહીદ જવાનોને કોસ્ટગાર્ડના અધિકારીઓ દ્વારા અંતિમ સંસ્કાર સન્માન સાથે કરવામાં આવશે. હાલ સંપૂર્ણ બનાવ બાદ કોસ્ટગાર્ડ જવાનોમાં ભારે ગમગીની જોવા મળી છે.
ભારતીય તટરક્ષક દળના શહીદ જવાન:
- કમાન્ડર (જેજી) સૌરભ (41 વર્ષ)
- ડેપ્યુટી કમાન્ડર એસ.કે. યાદવ (33 વર્ષ)
- નાવિક, મનોજ પ્રધાન (28)
તમને જણાવી દઈએ કે, પોરબંદરના એરપોર્ટ પર રવિવારે કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. જેમાં જીવ ગુમાવનાર 3 જવાનોના મૃતદેહોને પોરબંદરની ભાવસિંહજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. પરંતુ ફોરેન્સિક પોસ્ટમોર્ટમની કાર્યવાહી પોરબંદર સરકારી હોસ્પિટલમાં ન થતી હોવાથી ત્રણેય જવાનોના મૃતદેહોને પોરબંદર ભાવસિંહજી હોસ્પિટલમાંથી જામનગરની જીજી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા.
પોરબંદર ભાવસિંહજી હોસ્પિટલના RMO, ડૉ. વિપુલ મોઢાએ જણાવ્યું હતું કે, 'ફોરેન્સિક પીએમની સુવિધા પોરબંદરમાં ન હોવાના કારણે પોરબંદરમાં બનેલ હેલિકોપ્ટર ક્રેશની ઘટનામાં ત્રણેય મૃતક જવાનો જેમાં સુધીરકુમાર યાદવ, મનોજકુમાર અને સૌરભના મૃતદેહને જામનગર લઈ જવામાં આવ્યા છે. જ્યાં ફોરેન્સિક રીતે પીએમ થશે અને વીડિયોગ્રાફી પણ થશે. રિપોર્ટ આવ્યા બાદ મૃતકોના મોતનું સાચું કારણ જાણવા મળશે.'
આ પણ વાંચો: