વડોદરાઃ શહેર નજીક દુમાડથી વ્યાસેશ્વર મંદિર રોડ પર પાણીના નાળામાંથી રવિવારે ગુમ થયેલાં મચ્છીના વેપારી ધર્મેશ સત્યનારાયણનો મૃતદેહ મળી આવ્યો હતો. જે મૃતદેહ પર 10 છરીના ઘા મારી હત્યા કરાઈ હોવાનું પુરવાર થતાં તાલુકા પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીઓની શોધખોળ હાથધરી હતી.
વડોદરાના કિશનવાડી વુડાના મકાનમાં રહેતો ધર્મેશ સત્યનારાયણ કહાર પરિણીત અને એક બાળકનો પિતા હતો. ધર્મેશના ઉન્નતિ નામની યુવતી સાથે 6 વર્ષ પૂર્વે પ્રેમ લગ્ન થયાં હતાં. ધર્મેશ મચ્છીનો ધંધો કરતો હતો.
રવિવારે રાતે ગુમ થયેલાં ધર્મેશનો મૃતદેહ શુક્રવારના રોજ સવારે દુમાડથી વ્યાસેશ્વર મંદિર રોડ પર ગામના સ્મશાન પાસે પાણીના નાળીયામાંથી મળી આવ્યો હતો. તાલુકા પોલીસને જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને પાણીમાંથી અર્ધનગ્ન હાલતમાં પડેલા ધર્મેશના મૃતદેહને બહાર કઢાવ્યો હતો. બાદમાં મૃતદેહને પેનલ પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. વડોદરા તાલુકા પોલીસે અજાણ્યા શખ્સ સામે ઈપીકો કલમ 302 અને 201 મુજબનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથધરી છે.