વડોદરાઃ કરજણ તાલુકાના હલદરવા ગામની સીમમાં આવેલા એક ખેતરમાંથી એક મહિલા તથા બાળકનો મૃતદેહ મળી આવતા ભારે ચકચાર મચી ગઇ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર ઝનોર ગામની એક પરિણીતા તા.૨૦ જાન્યુઆરીથી ઘરેથી લાપતા થઇ હતી. જેનું નામ હેતલબેન મુકેશભાઇ માછી હોવાનું જાણવા મળ્યું હતુ.
મહિલા તથા તેના એક વર્ષના બાળકનો મૃતદેહ હલદરવા ગામની સીમમાં આવેલા એક ખેતરમાંથી મળી આવ્યા હતા. ઘટનાની જાણ થતા વલણ આઉટ પોસ્ટના જમાદાર શૈલૈશભાઇ તથા સ્ટાફના માણસોએ ઘટના સ્થળે પહોંચી હેતલબેન તથા બાળકના મૃતદેહોનો કબ્જો મેળવી પી એમ અર્થે કરજણ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડ્યા હતા. ઘટનાની જાણ થતા ઝનોર ગામના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. હેતલબેને ઝેરી દવા પી આત્મહત્યા કરી હોવાનું પોલીસ અનુમાન લગાવી રહી છે. પી એમ બાદ હેતલબેન તથા બાળકના મોતનું કારણ જાણવા મળશે. કરજણ પોલીસે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.