વડોદરા: શહેરમાં તા. 21 ફેબ્રુઆરીના રોજ મહા શિવરાત્રી પર્વ નિમિતે શહેરમાં ‘શિવજી કી સવારી’ રૂપે શિવ પરિવાર વાજતે ગાજતે શહેરની નગરયાત્રાએ નીકળશે. આ વર્ષે શહેરના વિવિધ વિસ્તારોમાં ‘શિવોત્સવ’ સપ્તાહ મનાવવામાં આવશે. જે અંતર્ગત રાજ્યના અને દેશના ટોચના કલાકારોના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શ્રેણીબદ્ધ ગાયકોની ભજન સંધ્યા અને સંગીત સંધ્યાઓ યોજાશે.
મહા શિવરાત્રીએ શહેરને શિવમય બનાવવા “બમ બમ ભોલે" ના ગગનભેદી સ્વરો ગુંજી ઉઠશે. ‘શિવજી કી સવારી’ પ્રતાપનગર સ્થિત રણમત્તેશ્વર મહાદેવથી નીકળશે. જે આરતી પૂર્વે સુરસાગર પધારશે. વડોદરાના શિવભકતોનું સદભાગ્ય છે કે, મહાઆરતીમાં લોખંડી મનોબળ અને મક્કમ મનસૂબાના સ્વામી ગૃહપ્રધાન અમિત શાહ ખાસ ઉપસ્થિત રહેનાર છે. આ સાથે જ મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી પણ મહા આરતીમાં ભાગ લેશે.
‘શિવજી કી સવારી’ માં ઢોલ-નગારાની રમઝટ બોલાવતી ભજન મંડળીઓ, બેન્ડવાજા પૌરાણિક પાત્રોના વેશ પરિધાન સાથે હજારો ભક્તો જોડાશે. ગુજરાત સરકારના વિવિધ વિભાગના વિગતો દર્શાવતુ પ્રદર્શન (ટેબ્લો) તેમજ સવારીના માર્ગને પુષ્પો અને આસોપાલવના તોરણોથી શણગારાશે. ‘શિવજી કી સવારી’ ના વિરાટ સુશોભિત રથને દોરડા વડે ખેંચી પુણ્ય કમાવા માંગતા હજારો શ્રધ્ધાળુ ભક્ત અને દર્શનાર્થીઓ માટે ઠેર-ઠેર પીવાના પાણીની વ્યવસ્થા ગોઠવવામાં આવશે.
આ વર્ષની ‘શિવજી કી સવારી’ માં રાજ્ય સરકાર દ્વારા 14 ફ્લોટ્સ જોડવામાં આવશે. શહેરની નામાંકિત શાળાના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલા ટેબ્લો આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. તેમજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓના બાળકો દ્વારા એક ફ્લોટ તૈયાર કરવામાં આવ્યો છે. જે યાત્રામાં જોડાશે.