- સાવલી ભાજપાના સંનિષ્ઠ કાર્યકરનું વીજકરંટ લાગતાં આકસ્મિક મોત
- પરિવારજનો ઘેરા શોકમાં ગરકાવ થયા
- ધારાસભ્યએ પરિવારજનોને સાંત્વના આપી
વડોદરા: વડોદરા જિલ્લાના સાવલીના ભાજપના સંનિષ્ઠ કાર્યકરનું ખેતરમાં પાણીની મોટરમાં વીજકરંટ લાગતાં આકસ્મિક મોત થયું હતું. જેઓના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સાવલી સરકારી દવાખાને મોકલવામાં આવ્યો હતો. સ્થાનિક ધારાસભ્ય સહિતના કાર્યકરોએ મૃતકના પરિજનોને સાંત્વના આપી હતી.
ખેતરમાં પાણીની મોટરનો કરંટ લાગતાં થયું મોત
સાવલી પાસેના મેવલી ગામે રહેતા ભાજપના સંનિષ્ઠ કાર્યકર 52 વર્ષીય રામસિંહ ઉર્ફે સરદારસિંહ રાઠોડનું વહેલી સવારે ખેતરે પાણી વાળવા ગયા ત્યારે પાણીની મોટર ચાલુ કરવા જતાં વીજ કરંટ લાગ્યો હતો અને ઘટના સ્થળે જ તેમનું આકસ્મિક મોત થયું હતું.
સાવલી ભાજપના કાર્યકરો અને ધારાસભ્યએ દુઃખ વ્યક્ત કર્યું
આ બનાવને પગલે પરિવારજનો પર મુશ્કેલીનું આભ તૂટી ગયું છે અને પરિજનો ઘેરા શોકમાં ગરકાવ બન્યા હતા. આ બનાવ અંગેની જાણ થતાં સ્થાનિક પોલીસ આવી પહોંચી હતી. બાદમાં મૃતકના મૃતદેહને સાવલી સરકારી હોસ્પિટલમાં લવાયો હતો. ઘટનાની જાણ થતાં ધારાસભ્ય સહિત ભાજપાના કાર્યકરો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. તેમજ મૃતકના પરિજનોને સાંત્વના આપી હતી. સાવલી ભાજપને એક સંનિષ્ઠ કાર્યકરની ખોટ પડી છે તેમ કહી દુઃખની લાગણી વ્યક્ત કરી હતી.