સાવલીઃ સાવલી તાલુકાના મંજુસર જીઆઈડીસીમાં આવેલી NBC એન્જિનિયરિંગ લિમિટેડ કંપનીમાં 6 કામદારોને છૂટા કરતાં અને પરત કામ ન લેતાં તેમ જ સવારે પહેલી શિફ્ટમાં આવેલ કામદારોને કામે ન ચઢવા દેતાં આશરે 300 જેટલા કામદારો કંપનીના ગેટ પર બેસી વિરોધ નોંધાવતા ભારે સનસનાટી મચી જવા પામી છે. બનાવના પગલે સાવલી પોલીસ અને લેબર કમિશનર ઘટના સ્થળે દોડી આવ્યાં હતાં.
વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં મંજૂસર જીઆઈડીસીમાં એન.બી.સી એન્જિનિયરિંગ લિમિટેડ નામની કંપની આવેલી છે. જેમાં આશરે 500થી વધુ કામદારો કામ કરે છે. તેવામાં છેલ્લાં એક માસથી 6 કામદારોને છૂટા કરવાના મુદ્દે વિવાદ ચાલી રહ્યો છે. જે પૈકી 3 કામદારોને અકસ્માત થયો હતો. જ્યારે બીજા બીમાર હતાં. જેઓને કંપનીએ કામ પર ન લીધા હોવાનું કામદારોએ આક્ષેપ લગાવીને કંપની સત્તાવાળા મનસ્વી વર્તન કરે છે તેવો આક્ષેપ લગાવ્યો છે.
એવામાં શુક્રવારે સવારની પહેલી પાળીમાં 350 જેટલા કામદારો નિત્યક્રમ મુજબ કામે ચઢ્યાં હતાં, ત્યારે કંપનીના ગેટ પરથી તેઓને કામે ચડવા દેવા માટે ઇનકાર કરતાં વિવાદ થયો હતો અને 350 જેટલા કામદારો કંપનીની બહાર બેસી જઈ પોતાની વિવિધ માગણી મૂકી હતી. આ બનાવની જાણ સાવલી પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને પરિસ્થિતિ પર કંટ્રોલ મેળવ્યો હતો અને કામદારોને સમજાવીને શાંતિપૂર્વક પોતાની માંગણી મુકવા સમજાવ્યાં હતાં.
કંપની મેનેજમેન્ટ સાથે પણ આ બાબતે ચર્ચા કરી હતી. અંતમાં કંપની સત્તાવાળાઓએ છૂટા કરેલ કામદારોને કામે ન લેવા જણાવ્યું હતું અને કાયદેસરની કાર્યવાહી બાદ જે પણ નિર્ણય આવે તે માન્ય કરીશું એવું જણાવતાં કામદારો પણ કામે ન ચઢવા જીદે ચઢ્યાં છે. જ્યારે ગત સાંજે ધરણા પર બેઠેલા કામદારો અને કંપની સત્તાવાળાઓ વચ્ચે થયેલી મડાગાંઠમાં કામદાર તરફે કોઈ નિર્ણય નહીં લેવાતાં આંદોલન યથાવત રાખતાં સાવલી પોલીસે કામદાર લીડર તેમ જ કામદાર સંઘના એડવોકેટ સહિત 10 જેટલાં કામદારોની ધરપકડ કરી હતી. જેને લઈ કામદારોમાં કંપની મેનેજમેન્ટ સામે ભારે આક્રોશ ફેલાયો છે. જોકે, કામદારોને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવામાં આવશે હોવાની માહિતી સાંપડી છે.