વડોદરા: શહેરના ગોત્રી ખાતે આવેલ ઇસ્કોન મંદિર દ્વારા આગામી 20મી જૂનના રોજ ભગવાન શ્રીજગન્નાથજીની 42મી રથયાત્રાને લઈ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ રથયાત્રા શહેરના રેલવે સ્ટેશનથી ધામધૂમ પૂર્વક પ્રસ્થાન કરવામાં આવશે. અષાઢી બીજે નિકળનારી 42મી રથયાત્રામાં લાખો ભાવિકો સાથે વિદેશી ભક્તો પણ જોડાશે સાથે 35 ટન શિરાનો પ્રસાદ પણ વિતરણ કરવામાં આવશે.
જગન્નાથપુરી જેવો આબેહૂબ રથ: આ અંગે ઇસ્કોન મંદિરના સેવક સેવા વિલાસ દાસે જણાવ્યું હતું કે, આ વર્ષે 42મી રથયાત્રા છે. આ રથ ટ્રેડિશનલ ભગવાન જગન્નાથ પુરીમાં ચાલે છે તેજ પ્રમાણે છે. માત્ર તેની સાઈઝ નાની છે કારણ કે અહીં રસ્તાઓ સાંકડા છે અને ત્યાં ખુબ વિશાળ છે. આ રથની ડિઝાઇન સરખીજ બનવવામાં આવી છે. આ રથમાં લાકડીનું કામ પૂર્ણ થયા બાદ સમારકામ થઈ રહ્યું છે જેથી કોઈ રિસ્ક ન રહે. આ રથમાં બ્રેક સિસ્ટમ છે અને સરળતાથી ચાલી શકે છે.
25 વર્ષથી મુસ્લિમ અગ્રણી દ્વારા સ્વાગત: વર્ષોથી આ રથયાત્રાનું સ્વાગત કરનાર આરીફ મલ્લિકે જણાવ્યું હતું કે, આ વર્ષે 42મી રથયાત્રા છે આ પૂર્વે અમારા ગુરુ દ્વારા સ્વાગત કરવામાં આવતું હતું. હું જાતે છેલ્લા 25 વર્ષથી શહેરના રાવપુરા મચ્છીપીઠ વિસ્તારમાં સમગ્ર મુસ્લિમ સમાજ વતી ભવ્ય સ્વાગત કરીયે છીએ અને અલ્લાહ ભગવાનને પ્રાર્થના છે કે કોમી એકતા સ્થાપિત રહે અને ગુજરાત પર આવનાર અપાતી દૂર થાય તેવી પ્રાર્થના કરીએ છીએ.
તૈયારીઓને આખરી ઓપ: રથયાત્રાની પૂર્વ તૈયારીના ભાગરૂપે ભગવાનના રથને રંગરોગાન, એર બેક સિસ્ટમ, જંપર - પાટા, ગીસિંગ, ફેબ્રિકેશન, શણગાર સહિતની કામગીરી હાલમાં પૂર્ણતાને આરે છે. કલાનગરીના કલાકારો રથને ગોલ્ડન, સિલ્વર, યલો, ગ્રીન, સ્કાય બ્લ્યૂ સહિતના ભાતિગળ રંગોથી સજાવી દીધો છે. આ રથની ખાસ વિશેષતા એ છે કે ભગવાન જગન્નાથ પુરીના રથ જેવો જ આબેહૂબ છે માત્ર તેની સાઈઝ નાની છે. આ રથ સંપૂર્ણ હાઇડ્રોલીંક છે જેથી ઊંચો નીચો થઈ શકે છે
વિદેશી ભક્તો પણ જોડાશે: ભગવાન જગન્નાથની 42મી રથયાત્રામાં શહેરના ગોત્રી વિસ્તારના ઇસ્કોન મંદિર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આ રથયાત્રા તા.20મી જૂનના રોજ પરંપરાગત બપોરે 2:30 કલાકે રેલવે સ્ટેશનથી ભગવાન શ્રીજગન્નાથજી, બહેન સુભદ્રાજી, ભાઇ બળદેવજીને શણગારેલા રથમાં બિરાજમાન કરાવી 42મી રથયાત્રાનું પ્રસ્થાન થશે અને ભાવિ ભક્તો હરે ક્રિષ્ણા, હરે રામ ના નાદ સાથે ગુંજશે. આ રથયાત્રામઆ દેશ વિદેશના ભક્તો ભક્તિ સંગીતના તાલે નૃત્ય કરવા સાથે હરે ક્રિષ્ણા, ક્રિષ્ણા ક્રિષ્ણા હરે - હરે, હરે રામ હરે રામ, રામ - રામ હરે - હરેના નાદ સાથે ભગવાનની નગરચર્યામાં જોડાશે.
રથયાત્રાનો રૂટ: રેલવે સ્ટેશન - કાલાઘોડા - સલાટવાળા નાકા - કોઠી કચેરી - રાવપુરા મુખ્ય માર્ગ - જ્યૂબેલીબાગ - પદ્યમાવતી શોપિંગ સેન્ટર - સુરસાગર - દાંડિયાબજાર - ખંડેરાવ માર્કેટ - લાલકોર્ટ/ન્યાયમંદિર - મદનઝાપા રોડ - કેવડાબાગ - પોલો ગ્રાઉન્ડ સામે બરોડા હાઈસ્કૂલ ખાતે સમાપન થશે.