વડોદરા: શહેરના હરણી વારસિયા રિંગ રોડ ઉપર સંજયનગર વસાહત આવેલી હતી. જ્યાં આવાસો ઉભા કરવા પાલિકા તંત્ર દ્વારા સંજયનગર વસાહતને તોડી પાડવામાં આવી હતી. તે સમયે તંત્ર દ્વારા આ જગ્યાએ મકાનો ફાળવવામાં આવશે અને ઘર વિહોણા થયેલા લાભાર્થીઓને ભાડું આપવામાં આવશેની બાંહેધરી આપવામાં આવી હતી.
આ વાતને આજે ત્રણ વર્ષ વીતી ગયા છે. તેમ છતાં સંજયનગરના વિસ્થાપીતોને ઘર અને છેલ્લાં 3-4 મહિનાથી ભાડું ન ચૂકવવામાં આવ્યું નથી. જેથી રોષે ભરાયેલા 150થી વધુ વિસ્થાપીતોનો મોરચો પાલિકાની વડી કચેરીએ પહોંચ્યો હતો. જેને લઈ તંત્ર દ્વારા પોલીસ અને સિક્યુરિટીનો બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો. ત્યારે સંજયનગરના વિસ્થાપીતોએ પાલિકા તંત્ર વિરુદ્ધ ભારે સુત્રોચ્ચારો પોકારી વિરોધ નોંધાવ્યો હતો.
આ અંગે સંજયનગરના લાભાર્થી દિપકભાઈ પરમારે જણાવ્યું હતું કે, "સંજયનગર ઝૂંપડપટ્ટી તોડ્યા પછી છેલ્લા ત્રણ,ચાર મહિનાથી અમને ભાડું ચૂકવતા નથી. દરેક વખતે અમારે અહીંયા ધક્કા ખાવા પડે છે. તો વળી, પાલિકામાં કોઈ પણ વ્યક્તિ જવાબદારી લેવા તૈયાર નથી. જેના કારણે 150 જેટલાં લોકોને પાલિકા સામે ધરણાં કરવાની ફરજ પડી છે. જ્યાં સુધી અમારી માગ પૂરી નહીં થાય ત્યાં સુધી અમે અમારા ધરણા ચાલું રાખીશું."
આમ, તંત્રની બેદરકારીના કારણે વિસ્થાપીએ તંત્ર સામે આંદોલન કરવાની ચિંમકી ઉચ્ચારી છે. ત્યારે તંત્ર આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી રહ્યું નથી. જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.