વડોદરાઃ મહિલાની ડિલીવરી બાદ કોરોના રિપોર્ટ કરવામાં આવ્યો હતો. જ્યારે, નવજાત બાળકીનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ, તેઓને આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવી હતી. મહિલાની રોગપ્રતિકાર શક્તિ ટકી રહે અને તે ખૂશ રહે તે માટે તેની બાળકીનો વીડિયો ઉતારીને સતત બતાવતા મહિલા પણ કોરોના મુક્ત થઇ ગઇ છે.
શહેરના કોરોના રેડઝોન વિસ્તાર નવાપુરામાં હસીન સરફરાઝ ખાન પઠાણ પરિવાર સાથે રહે છે. હસીનબાનુ ગર્ભવતી હતી. અને તેઓની સારવાર જમનાબાઈ હોસ્પિટલમાં ચાલી રહી હતી. જ્યાંથી એમને સયાજી હોસ્પિટલના રૂકમણી ચૈનાની પ્રસૃતિ ગૃહમાં 16 મેના રોજ એડમિટ કરવામાં આવ્યાં હતાં. જ્યાં ફરજ પરના મહિલા ડોક્ટર દ્વારા મહિલાને નૉર્મલ ડિલીવરી થાય તે માટેના તમામ પ્રયાસ કરવામાં આવ્યા હતા. પરંતુ, નોર્મલ ડિલીવરી કરાવી શક્યા ન હતા. 17 મેના રોજ મહિલાનું સિઝર્સ ઓપરેશન કરવામાં આવ્યું હતું. મહિલાએ એક સુંદર બાળકીને જન્મ આપ્યો હતો.
મહિલાની ડિલીવરી બાદ તબીબો દ્વારા સાવચેતીના ભાગરૂપે તા.18 મેના રોજ કોરોનાનો રિપોર્ટ કઢાવવામાં આવ્યો હતો. જે રિપોર્ટ પોઝિટિવ આવતા તબીબો ચોંકી ઉઠ્યા હતા. તુરંત જ મહિલાને સયાજી હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં એડમીટ કરી દેવામાં આવ્યા હતા. માતાનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓની નવજાત બાળકીનો કોરોના રિપોર્ટ કરવામાં આવ્યો હતો. પરંતુ, નવજાત બાળકીનો રિપોર્ટ નેગેટિવ આવતા તબીબોએ હાશકારો અનુભવ્યો હતો.
માતા બાળકીને રમતા જોઇ ખૂશ રહેતા તેઓના સાત જ દિવસમાં કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. મહિલાનો કોરોના રિપોર્ટ સાત જ દિવસમાં નેગેટિવ આવી જતાં તબીબોમાં આનંદની લાગણી પ્રસરી ગઇ હતી.
દરમિયાન માતા અને દીકરીના બે-બે વખત કોરોના રિપોર્ટ કરવામાં આવ્યા હતા. બંને વખત મા-દીકરીના રિપોર્ટ નેગેટિવ આવતા તબીબોએ હાશકારો અનુભવ્યો હતો. મા-દીકરીના કોરોના રિપોર્ટ નેગેટીવ આવ્યા બાદ સન્માન પૂર્વક તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. હસીનબાનુ તેમજ તેના પરિવારજનોએ, તબીબોએ દાખવેલી માનવતા સાથે કરેલી દેખભાળ અંગે આભાર વ્યક્ત કર્યો હતો. તબીબોનો આભાર વ્યક્ત કરતા હસીનબાનુ પોતાન હર્ષના આંસુ રોકી શક્યા ન હતા. તે સાથે હોસ્પિટલના કર્મચારીઓની આંખો પણ ભીંજાઇ ગઇ હતી.