વડોદરા: વડોદરાના નાગરવાડામાં પોલીસ પર પથ્થરમારો કરવાના બનાવમાં ઝડપાયેલાં 10 શખ્સો પૈકી 5નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં કારેલીબાગ પોલીસ મથકમાં સન્નાટો છવાઇ ગયો હતો.
કોરોનાગ્રસ્ત નાગરવાડા વિસ્તારમાં આવેલા કાસમઆલા કબ્રસ્તાન પાસે સોમવારે વહેલી સવારે રમઝાન માસમાં શેરીનો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ઘરે જવાનું કહેતા લોકોએ કારેલીબાગ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ પર પથ્થરમારો કર્યો હતો. પોલીસે આ મામલે 17 આરોપી સામે ગુનો નોંધીને 10 આરોપીની ધરપકડ કરી હતી. તેમજ તેમના કોર્ટમાં રજૂ કર્યાં પહેલા કોરોના વાયરસના સેમ્પલ લેવામાં આવ્યા હતા.જેમાં 5 આરોપીના કોરોના વાઈરસના રિપોર્ટ આજે પોઝિટિવ આવ્યા છે. જેમાં 10 આરોપી પૈકી 5નો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતા પી.એસ.આઇ. સહિત 4 પોલીસ જવાનોને હોમ ક્વોરોન્ટાઇન કરવામાં આવ્યા છે. જ્યારે કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં સેનેટાઇઝ કરવામાં આવ્યું છે.
આ અંગે એસીપી ભરત રાઠોડએ જણાવ્યું હતું કે,કોરોના વાયરસ પોઝિટિવ 5 આરોપીઓના સંપર્કમાં આવેલા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓના પણ સેમ્પલ લેવામાં આવશે. પોઝિટિવ સિવાયના બીજા 5 આરોપીઓને પગપાળા સયાજી હોસ્પિટલમાં ટેસ્ટ માટે લઈ જવામાં આવ્યા હતા. હાલમાં આ તમામના સંપર્કમાં આવેલ તેમના પરિવારજનો,પોલીસ અધિકારીઓ,કર્મચારીઓના કોરોના ટેસ્ટિંગ સેમ્પલ લેવાની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી હતી.