- પાદરાના ઘાયજ ગામે થર્ટી ફસ્ટની પાર્ટીમાં ખેલાયો ખૂની ખેલ
- પાર્ટીમાં વડોદરાના યુવાનની હત્યા
- પોલીસે 9 યુવાનોની અટકાયત કરી
વડોદરાઃ જિલ્લાના પાદરા તાલુકના ઘાયજ ગામના ખેતરમાં શહેરના કેટલાક યુવકોએ થર્ટી ફસ્ટની પાર્ટી યોજી હતી. જે પાર્ટીમાં મીત્રો વચ્ચે તકરાર થતા નવાપુરાના યુવાનની હત્યા કરવામાં આવતા ચકચાર મચી હતી. પાદરા પોલીસે પાર્ટીમાં સામેલ 9 યુવાનોની ધરપકડ કરી હત્યાના બનાવ મામલે સઘન પુછપરછ હાથ ધરી છે.
પાર્ટીમાં નવાપુરા વિસ્તારના યુવકની હત્યા
માહિતગાર સૂત્રો દ્વારા બનાવની પ્રાપ્ત વિગત અનુસાર વર્ષ 2020ને વિદાય અને નવા વર્ષ 2021ના વધામણા કરવા શહેરના કેટલાક યુવાનોએ પાદરા તાલુકાના ઘાયજ ગામમાં એક ખેતરમાં ડાન્સ એન્ડ ડ્રીંકસની પાર્ટીનું આયોજન કર્યું હતું. આ ડ્રિંક્સ પાર્ટીમાં નવાપુરા વિસ્તારના વણકરવાસમાં રહેતો હિતેશ પરમાર પણ જોડાયો હતો.
મિત્રો વચ્ચે થયેલી તકરારમાં યુવાનની કરાઈ હત્યા
પાર્ટી દરમ્યાન મિત્રો વચ્ચે થયેલી રકઝકમાં હિતેશ પરમારની હત્યા કરવામાં આવી હતી. હત્યાના બનાવની જાણ પાદરા પોલીસને થતા પોલીસ કાફલો ઘાયજ ગામના ખેતરમાં બનાવ સ્થળે પહોંચ્યો હતો. જ્યાં ઘટના સ્થળે હાજર 9 જેટલા યુવાન મિત્રોની અટકાયત કરી હતી. પોલીસની પ્રાથમિક પુછપરછમાં આ યુવાન મિત્રો શહેરના ગોરવા વિસ્તારના અલગ-અલગ સ્થળોએ રહેતા હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે હાલ હત્યાનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.