વડોદરા: બાપોદ પોલીસ સ્ટેશનના જવાનો જન્માષ્ટમી પર્વને અનુલક્ષીને વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યાં હતા, જે દરમિયાન બાતમી મળી હતી કે, સફેદ કલરનું કન્ટેનર અમદાવાદથી સુરત તરફ જવાનું છે, જેમાં વિદેશી દારૂનો જથ્થો ભરેલો છે અને તે વડોદરાના APMC ફ્રૂટ માર્કેટ ખાતે ઉતારવાનો છે. જેના આધારે પોલીસે APMC ફ્રૂટ માર્કેટ માર્કેટમાં આવેલી જગદીશ ફરસાણની પાછળની ગલીમાં દરોડો પાડ્યો હતો અને કન્ટેનરમાંથી બિસ્કિટની આડમાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો છુપાવેલો જથ્થો ઝડપી પાડ્યો હતો.
પોલીસે વિદેશી દારૂ સાથે 6,200 રૂપિયાની કિંમતના 3 મોબાઇલ, તેમજ કન્ટેનર સહિત 12.82 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને દારૂનું કટિંગ કરી રહેલા 5 શખ્સની ધરપકડ કરી હતી. જેમાં રોહિતાસ જાટ, રાજકુમાર જાટ, રાજીવ જાટ, કાલે ઉર્ફે કાલી અને રમેશ નામના વ્યક્તિઓનો સમાવેશ થાય છે. બાપોદ પોલીસે દારૂ કોણે મોકલ્યો હતો તે અંગે તપાસ શરૂ કરી છે.