વડોદરાઃ શહેર નજીક દુમાડથી વ્યાસેશ્વર મંદિર રોડ પર પાણીના નાળામાંથી રવિવારે ગુમ થયેલાં મચ્છીના વેપારી ધર્મેશ સત્યનારાયણનો મૃતદેહ મળી આવ્યો હતો. જે મૃતદેહ પર 10 છરીના ઘા મારી હત્યા કરાઈ હોવાનું પુરવાર થતાં તાલુકા પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી.
આરોપી અજય તડવીની પૂછપરછમાં સામે આવ્યું હતું કે, મૃતક ધર્મેશની હત્યા જૂના ઝઘડાનો ખાર રાખી કરવામાં આવી હતી, પરંતુ ધર્મેશની હત્યામાં એકલો અજય નહીં પણ તેના સાગરીત જીગ્નેશ મારવાડી અને શાતીર કરણ સરદારની પણ સંડોવાણી હતી. આ બન્ને આરોપીઓને ઝડપી લેવા માટે PCBની ટીમે ફિલ્મી ઢબે જુદા જુદા વેશ ધારણ કરી બન્ને હત્યારાઓને ઝડપી લીધા હતા.
આ બનાવમાં અજય મૃતક ધર્મેશના હાથ નીચે જ મોટો થયો હતો. ધર્મેશની હત્યા કર્યા બાદ અજય, જીગ્નેશ અને કરણ સરદારે લોહી વાળા કપડા સળગાવી દીધા હતા. ત્યાર બાદ બીજા કપડા પહેરી આખી રાત રેલવે સ્ટેશન પર વીતાવી હતી. વહેલી સવારે અજય વડોદરાથી દમણ ભાગી ગયો હતો. જ્યારે કરણ અને જીગ્નેશ શહેરમાં જ હતા. એક દિવસ દમણ ખાતે રોકાયા બાદ અજય પ્લાન મુજબ ગત 15મી સપ્ટેમ્બરના રોજ પરત વડોદરા આવી બાપોદ પોલીસ સ્ટેશનમાં તેની સામે અગાઉ નોંધાયેલા મારા-મારીના ગુનામાં હાજર થઇ ગયો હતો.
બે દિવસ બાદ 17મી સપ્ટેમ્બરના રોજ ધર્મેશ કહાર ઉર્ફે બટકોનો મૃતદેહ મળ્યો હતો. હત્યાનો ભેદ ઉકેલવામાં લાગેલી પોલીસને અજય અને ધર્મેશ વચ્ચે બે મહિના અગાઉ કિશનવાડી ગધેજા માર્કેટ ખાતે થયેલા મારામારીની જાણ થઇ હતી. જેથી પોલીસે તેમની પૂછતાછ હાથ ધરતા ધર્મેશની હત્યામાં જીગ્નેશ મારવાડી અને કરણ સરદાર પણ સામેલ હોવાની વાત સામે આવી હતી. હવે PCB આ બન્નેની શોધમાં લાગી હતી.
જેના પરિણામાં PCB PI રાજેશ કાનમીયાએ એક ટીમ તૈયાર કરી જેમાં તેમને કિશનવાડી ખાતે પાણીપુરા વેચવા માટે ઉભા રહી ગયા હતા. PSI એ. ડી. મહંત કિશનવાડી વુડાના મકાન પાસે રિક્ષા ચાલક બની વોચમાં બેઠા હતા. ASI કાર્તીંકસિંહ જાડેજા પાનના ગલ્લા પર વોચ રાખી બેઠા હતા. હેડ કોન્સ્ટેબલ કાળુભાઇ વુડાના મકાન પાસે શાકભાજીની લારી લઇ વોચમાં ગોઠવાઇ ગયા હતા.
આરોપી કરણ સરદાર ખૂબ જ ચાલાક હોવાથી પોલીસે તેને ઝડપી લેવા માટે ટ્રેપ ગોઠવી પાણીપુરીની લારી પાસે અજયને ઉભો કરી દેવાયો હતો. પોલીસના પ્લાન મૂજબ અજયે કરણને ફોન કરી કિશનવાડી ખાતે ધર્મેશની હત્યા બાબતે પ્લાનીંગ કરવા માટે ફોન કરી બોલાવ્યો હતો. સામે તરફથી મોપેડ પર આવતા કરણ સરદારની સાતીર નજર રિક્ષામાં બેઠેલા પોલીસ કર્મી પર પડી અને બન્નેની નજર એક થતા તેને પોલીસની હાજરી ગંધ આવી ગઇ હતી. જેથી તેને ભગાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પાણીપુરા વાળાનો વેશ ધારણ કરી ઉભેલા PI કાનમીયાએ તેને ઝડપી લીધો હતો. સ્થિતિ એવી હતી કે, PI રાજેશ કાનમીયાના એક હાથમાં અજય તડવી હતો અને બીજા હાથમાં કરણ સરદારની મોપેડ હતી. અંદાજીત 50 મીટર સુધી ખેંચાયા બાદ રાજેશ કાનમીયા અને તેમની ટીમે કરણ સરદારને દબોચી લીધો હતો. દરમિયાન વિસ્તારમાં એવી વાત ફેલાઇ કે, પાણીપુરા વાળાનો ઝઘડો થયો છે. જેથી લોકોના ટોળા ઉમટવાના શરૂ થયા હતા. આમ દોઢ કલાકની મહેનત બાદ પોલીસે કરણ સરદારની ધરપકડ કરી અને જીગ્નેશ મારવાડીને પણ ઝડપી લીધો હતો.
આ પણ વાંચો - વડોદરા નજીક યુવકનો મળ્યો મૃતદેહ , પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી
18 સપ્ટેમ્બર - વડોદરા શહેર નજીક દુમાડથી વ્યાસેશ્વર મંદિર રોડ પર એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. જેના પર ઘા મારી હત્યા કરાઇ હોવાના નિશાન જોવા મળ્યા હતા. જેથી તાલુકા પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીઓની શોધખોળ હાથધરી હતી.