વડોદરા: કોરોનાકાળના બે વર્ષના અંતરાલ બાદ આ વર્ષે ફરી એક વખત ગરબા આયોજન થવા જઈ રહ્યું છે. નવરાત્રીને હવે માંડ ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ખેલૈયાઓમાં નવરાત્રી કાઉન્ટ ડાઉન શરુ થઈ ગયું છે. કોરોનાકાળના બે વર્ષના અંતરાલ બાદ આ વર્ષે શહેરના મોટાં ગરબા ગ્રાઉન્ડમાં પુનઃ ગરબાની રમઝટ જામશે. તેમાં પણ વડોદરાના ગરબા વિશ્વ વિખ્યાત છે, જેને લઈને ખેલૈયાઓમાં અનેરો થનગનાટ જોવાં મળી રહ્યો છે.(vadodara navaratri2022)
નવરાત્રીને લઈને એક અલગ જ જોશ: આ વર્ષે ગરબા સ્ટેપ્સમાં નવતર પ્રયોગ કરી તેને વધુ રોમાંચિત કેવી રીતે બનાવી શકાય તેની પૂર્વ તૈયારીઓમાં ગરબા ખેલૈયાઓ પૂર જોશમાં લાગી ગયા છે. અને અવનવાં ગરબા સ્ટેપ્સ શીખી રહ્યાં છે. વડોદરા એવું શહેર છે, જ્યાં દરેક ધર્મના લોકો વસે છે, તેમાં પણ વર્ષોથી અહીં સ્થાયી થયેલાં નોન ગુજરાતીઓમાં નવરાત્રીને લઈને એક અલગ જ જોશ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને નોન ગુજરાતી મહિલાઓ પોતાની નોકરી અને બિઝનેસમાંથી ખાસ ગરબા શીખવા માટે સમય ફાળવી રહી છે.(garba practice in vadodara )
ગરબા વર્કશોપનું પણ આયોજન: વડોદરા શહેરમાં ગરબાને લઈને વિવિધ ગરબા વર્કશોપનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગરબા ખેલૈયાઓ બે તાલી, ત્રણ તાલીના અલગ અલગ ગરબા શીખી રહ્યા છે, તદુપરાંત ખાસ કરીને પારંપરિક ગરબા જે વર્ષોથી ચાલતા આવ્યા છે, એ શીખવામાં વધુ રસ ધરાવતા હોય છે. જે લોકો વડોદરાના નથી એ લોકો ખાસ આ વર્ષે વડોદરાના ગરબા માણવા માટે આવી રહ્યા છે. કારણ કે વડોદરા શહેરમાં જ ફક્ત એવા ગરબા થાય છે, કે જ્યાં તમામ ખેલૈયાઓ એક જૂથ થઈને એક જ ગોળ રાઉન્ડમાં ગરબા રમતા હોય છે.(garba workshop in vadodara)