- નેરોગેજ ટ્રેન સેવા કાયમી ધોરણે બંધ કરવાનો રેલ મંત્રાલયનો નિર્ણય
- આ નિર્ણયને લઈને શિનોર પંથકમાં નારાજગી ફેલાઈ
- નેરોગેજ ટ્રેન ચાલુ રાખવા લોકોની માંગ
વડોદરા : ભારત રેલ મંત્રાલયે ગુજરાતમાં ચાલતી 11 જેટલી નેરોગેજ ટ્રેનો ,જે છેલ્લા ઘણાં સમયથી ખોટમાં દોડી રહી હતી. તેને બંધ કરવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયને લઈને શિનોર પંથકમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. આ સાથે જ શિનોર - કરજણ તાલુકાને જોડતી કરજણ - માલસર અને કરજણ - મોટી કોરલ નેરોગેજ ટ્રેન બંધ થતાં શિનોર પંથકના લોકોમાં દુઃખની લાગણી પ્રવર્તી છે.
દરેક વર્ગના લોકો માટે આશીર્વાદ સમાન આ નેરોગેજ ટ્રેન
રાજ્યની કુલ 11 નેરોગેજ ટ્રેનો કાયમ માટે બંધ કરી દેવાનો ભારતીય રેલવે મંત્રાલયે નિર્ણય કર્યો છે. રેલ મંત્રાલયના પશ્ચિમ રેલવેના જનરલ મેનેજરે ગુજરાતની આ 11 ટ્રેન ચલાવવી આર્થિક રીતે પરવડતું નહિ હોવાનું કારણ દર્શાવીને તેને બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ગુજરાતમાં એક તરફ કરોડોના ખર્ચે બુલેટ ટ્રેન દોડવવાની તૈયારી થઈ રહી છે. ત્યારે ઐતિહાસિક ધરોહર અને લોકોની જીવાદોરી સમાન કરજણ - માલસર અને કરજણ - મોટી કોરલ નેરોગેજ ટ્રેનને રેલવે તંત્ર દ્વારા કમભાગી નિર્ણય લેવાતાં શિનોર પંથકમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.
રેલ એન્ડ રોડ પેસેન્જર્સ એસોસિએશનના પ્રમખે ટ્રેન ચાલુ રાખવા માંગ કરી
શિનોર પંથકના દરેક વર્ગના લોકો માટે આશીર્વાદ સમાન આ નેરોગેજ ટ્રેનમા લોકો કરજણ સહિતના વિસ્તારોમાં રોજીરોટી તેમજ વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ અર્થે પણ અવર જવર કરતાં હોય છે. ત્યારે ઐતિહાસિક નેરોગેજ ટ્રેન બંધ ન થાય અને રેલ ચાલુ રાખવામાં આવે જેને લઈ રેલ એન્ડ રોડ પેસેન્જર્સ એસોસિએશન શિનોર પ્રમુખ ભૂપેન્દ્ર ગોહિલે ડિવિઝનલ રેલવે મેનેજરને લેખિતમાં રજૂઆત કરી નેરોગેજ ટ્રેન ચાલુ રાખવાની માંગ કરી હતી.