- ગોત્રી કોવિડ હોસ્પિટલની નર્સની હત્યાથી મચી ચકચાર
- પત્નીના આડા સંબંધોની શંકામાં શિક્ષક પતિએ કરી પત્નીની હત્યા
- હરણી પોલીસે શિક્ષક પતિને ઝડપી પાડ્યો
વડોદરા : શહેરની ગોત્રી કોવિડ હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી મહિલાના માથામાં પતિએ ફટકો મારી મોતને ઘાટ ઉતારી દેતા પોલીસે હત્યારા પતિની મોડી રાત્રે ધરપકડ કરી હતી. આ મહિલા મોડી રાત્રે પોતાના એક્ટિવા ઉપર નોકરી જવા માટે નીકળ્યા હતા. તે સમયે ન્યુ વી.આઇ.પી.રોડ ઉપર પતિએ ફિલ્મી ઢબે હુમલો કર્યો હતો. પત્નીના આડા સંબધના વહેમમાં પતિએ પત્નીની હત્યા કરી હોવાની વિગતો પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવી છે.
![hospital](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9783492_thu.jpg)
હત્યારો પતિ પ્રાઈમરી સ્કૂલમાં બજાવે છે શિક્ષક તરીકે ફરજ
દરમિયાન પોલીસને મહિલાની હત્યા થઇ હોવાની પ્રાથમિક વિગતો મળતા તપાસ શરૂ કરી હતી. જેમાં મહિલા આજવા રોડ ઉપર આવેલા અમરદીપ હોમ્સના રહેવાસી અને ગોત્રી કોવિડ હોસ્પિટલમાં નર્સ તરીકે નોકરી કરતા હોવાની વિગતો મળી હતી. મહિલાનું નામ ખૂલ્યા બાદ પોલીસે વધુ તપાસ કરતા પતિએ પત્નીના આડા સંબધમાં હત્યા કરી હોવાનો પર્દાફાશ થયો હતો. હરણી પોલીસની વધુ તપાસમાં શિલ્પાબહેન પટેલના પતિ જયેશભાઈ પટેલ પ્રાઇમરી સ્કૂલમાં શિક્ષક તરીકે નોકરી કરતા હોવાની વિગતો બહાર આવી હતી. શિલ્પાબહેન રાત્રે ઘરેથી પોતાની એક્ટિવા લઈને નોકરી જવા માટે નીકળ્યા હતા. તે દરમિયાન પતિ જયેશ પટેલે પીછો કર્યો હતો અને ન્યુ વી.આઇ.પી. રોડ વૈકુઠ -2 સોસાયટી પાસેથી પત્નીના માથામાં પાછળથી બોથડ પદાર્થનો ફટકો મારી ફરાર થઈ ગયો હતો. ચાલુ એક્ટિવા ઉપર શિલ્પાબહેનને માથામાં ફટકો વાગતાં જ તેઓ સ્થળ પર ફસડાઈ પડ્યા હતા અને સ્થળ પર મોતને ભેટ્યા હતા. પોલીસે મોડી રાત્રે જ પત્નીની હત્યા કરનાર શિક્ષક પતિ જયેશ પટેલની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી. બીજી તરફ નર્સની હત્યાથી સમગ્ર નર્સ આલમમાં દુઃખની લાગણી ફેલાઈ ગઈ હતી.