- ડભોઇથી ચાંદોદને જોડતી રેલ સેવા શરુ
- નરેન્દ્ર મોદી દ્વારા લીલી ઝંડી બતાવી દેશની રેલ સેવાઓ શરૂ કરાઇ
- ડભોઇથી ચાંદોદ બ્રોડગેજ લાઇનનું કામ ઝડપથી પૂર્ણ કરાયું
વડોદરાઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અમદાવાદથી સ્ટેચ્યૂ ઓફ યુનિટીની રેલવે લાઇનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ સાથે જ ગુજરાતના અનેક રેલવેના કામોને લોકો વચ્ચે ખુલ્લા મૂક્યા છે. ત્યારે તાજેતરમાં ઈતિહાસમાં સૌપ્રથમ વખત ડભોઇથી યાત્રાધામ ચાંદોદને જોડતી નવી બ્રોડગેજ લાઇનનું કામ ઝડપથી પૂર્ણ કરી નરેન્દ્ર મોદી દ્વારા લીલી ઝંડી બતાવી નવી રેલનું પ્રસ્થાન કરાવ્યું હતું.
- પ્રધાન જયેન્દ્રસિંહ પરમાર દ્વારા નવા રેલવે સ્ટેશનને ખૂલ્લું મૂકાયું
કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં જ ડભોઇ રેલવે સ્ટેશનને કરોડો રૂપિયાના ખર્ચે તમામ સુવિધાઓથી સજ્જ કરવામાં આવ્યું હતું. જેનું લોકાર્પણ ગુજરાત સરકારના પ્રધાન જયેન્દ્રસિંહ પરમાર દ્વારા નવા રેલવે સ્ટેશનને ખૂલ્લું મૂકવામાં આવ્યું હતું. બીજી તરફ ડભોઇથી યાત્રાધામ ચાંદોદને જોડતી નવા રેલ માર્ગને પણ લીલી ઝંડી આપી ખુલ્લો મુકવામાં આવ્યો હતો. વડોદરાથી ડેમો ટ્રેન ડભોઇ યાત્રાધામ ચાંદોદ અને ત્યાંથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી જવા માટે રવાના થઇ હતી. ડભોઇ ખાતે ડેમુ ટ્રેન આવી પહોંચતા આંગણવાડીની બહેનો દ્વારા ફૂલ દ્વારા ટ્રેનને વધાવવામાં આવી હતી.
- તમામ ક્ષેત્રના લોકો માટે ટ્રેનમાં વ્યવસ્થા
વડોદરાથી આવેલી ડેમુ ટ્રેનમાં તંત્ર દ્વારા તમામ ક્ષેત્રના લોકો માટે ટ્રેનમાં વ્યવસ્થા કરવામાં આવી હતી. ત્યારે ડભોઇ ખાતે આવી પહોંચેલી આ ટ્રેનમાં કેટલાક આર્ટિસ્ટો પણ આવ્યા હતા. આ આર્ટિસ્ટો દ્વારા ડભોઇ રેલવે સ્ટેશન ખાતે ડાન્સ કરી લોકોને આકર્ષિત કરવામાં આવ્યા હતા. ડભોઇ રેલવે સ્ટેશન છેલ્લા કેટલાય સમયથી નેરોગેજ સ્ટેશન તરીકે સમગ્ર ભારતભરમાં જાણીતું હતું. ડભોઇથી યાત્રાધામ ચાંદોદ ખાતે ચાલતી ગાડીને પણ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યાદ કરી હતી અને પોતાના ભૂતકાળની વાતો વાગોળી હતી. આજના પ્રસંગે નાયબ કલેક્ટર શિવાની ગોહિલ, મામલતદાર સાથે જ ભાજપના અગ્રણીઓ હાજર રહ્યા હતા.