- વેપારીઓએ કિસાનોના ભારત બંધના એલાનને સમર્થન આપવાની કરી જાહેરાત
- વડોદરાનું સૌથી મોટું હાથીખાના બજાર આવતી કાલે બંધ
- ભારત બંધના એલાનને ટેકો આપ્યો
વડોદરા : કિસાનો દ્વારા અપાયેલા ભારત બંધના એલાનને વડોદરા શહેરના સૌથી મોટા એવા હાથીખાના APMC માર્કેટના વેપારીઓ એસોસિએશને પણ સમર્થન આપી માર્કેટ બંધ રાખવાની જાહેરાત કરી છે.
કિસાનો અને સરકાર વચ્ચે 9 મી તારીખે પુનઃ બેઠક, તે પૂર્વે 8 ડિસેમ્બરે બંધના એલાનનું આહવાન
કેન્દ્રના નવા કૃષિ કાયદાના વિરોધમાં દિલ્હીની સરહદો પર કિસાનો દ્વારા સતત 11 દિવસથી વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. તા. 8 મી ડિસેમ્બરે કિસાનો દ્વારા ભારત બંધનું આહવાન કરવામાં આવ્યું છે. કિસાનોના ભારત બંધને રાજકીય પાર્ટીઓ સહિત અનેક પક્ષોનું સમર્થન મળી રહ્યું છે. ત્યારે વડોદરાના વેપારીઓએ પણ ખેડૂતોના ભારત બંધના એલાનને સમર્થન આપવાની જાહેરાત કરી છે.
વડોદરાના તમામ અનાજ-કઠોળના વેપારીઓને દુકાન બંધ રાખવા કરી અપીલ
કિસાન દ્વારા નવા પસાર કરાયેલા ત્રણેય કૃષિ કાયદાને રદ કરવાની માંગ કરવામાં આવી રહી છે. આ મુદ્દે ખેડૂતો અને સરકાર વચ્ચે પાંચ મુદ્દે વાતચીત થઇ છે. પરંતુ હજી સુધી કોઇ ઉકેલ આવ્યો નથી. હવે કિસાનો અને સરકાર વચ્ચે ડિસેમ્બરે ફરી બેઠક થવાની છે. આ પહેલા 8મી તારીખે ભારત બંધની જાહેરાત કરવામાં આવી છે. તેવામાં વડોદરાના સૌથી મોટા હાથીખાના અનાજ કરિયાણા માર્કેટ એસોસિએશને ખેડૂતોના સમર્થનમાં જાહેરાત કરી છે કે, ભારત બંધને સમર્થન આપ્યું છે. 8મી ડિસેમ્બરે હાથીખાના બજાર બંધ રહેશે, તેવી એસોસિએશનના પ્રમુખ નિમેષ મહેતાએ જાહેરાત કરી છે. વડોદરાના તમામ અનાજ-કઠોળના વેપારીઓને દુકાન બંધ રાખવા અપીલ કરવામાં આવી છે.