વડોદરાના પૂર્વ વિસ્તારમાં આવેલા આજવા રોડ, વાઘોડિયા રોડ સહિતના વિસ્તારો ઘણા સમયથી પીવાના પાણીની સમસ્યાનો નાગરિકો ભોગ બની રહ્યા હતા. સ્થાનિકો દ્વારા વારંવાર રજૂઆત બાદ પણ આ વિસ્તારોમાં પાણીની સમસ્યાનો અંત આવતો નથી. જેથી આ વિસ્તારના નગર સેવક અનીલ પરમાર દ્વારા પણ સભામાં અવાર નવાર રજુઆતો કરવામાં આવી હોવા છતાં આ સમસ્યાનો અંત આવ્યો ન હતો. અંતે આજે નગર સેવક અનીલ પરમારની આગેવાનીમાં સ્થાનિક અગ્રણીઓએ આજવારોડ સ્થિત પાણીની ટાંકીએ પહોંચી જાહેરમાં સ્નાન કરી વિરોધ નોંધાવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, અહીંના નગરસેવક તરીકે અનીલ પરમાર સ્થાનિકોને સુવિધા અપાવવામાં નિષ્ફળ નીવડ્યા હોય તેવી લાગણી સ્થાનિકોમાં જોવા મળી હતી. જેથી તેમના વિરોધ પ્રદર્શનમાં જુજ સ્થાનિક લોકો જ જોડાયા હતા અને કોંગ્રેસી કાર્યકરો મોટા પ્રમાણમાં ન જોડાતા કોંગ્રેસમાં જૂથબંધી ફરી એક વાર છતી થઈ હતી.