વડોદરા: જિલ્લાના કરજણ તાલુકાના સારીંગ ગામમાં વસતાં આદિવાસી સમાજના લોકો માટે હાલ સ્મશાન ગૃહનો અભાવને કારણે પારાવાર મુશ્કેલી ઉભી થતી હોવાથી ગ્રામજનોમાં તંત્ર પ્રત્યે ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે ત્યારે ગામમાં કોઈ સ્વજનનું અવસાન થાય ત્યારે અંતિમક્રિયા કરવા હાલાકી ભોગવવી પડે છે. ચોમાસાની ઋતુ દરમિયાન કેડસમા પાણીમાં અંતિમ વિધિ માટે જવું પડતું હોય છે અને ત્યારે મોતનો મલાજો જળવાતો નથી.
સ્મશાન ગૃહની હાલત બિસ્માર: જાણવા મળતી માહિતી મુજબ કરજણ તાલુકાના આ સારંગી ગામમાં હાલ એક સ્મશાન ગૃહ છે પરંતુ તેની હાલત અત્યંત બદતર અને બિસ્માર છે. જેથી ગ્રામજનો આ સ્મશાન ગૃહનો ઉપયોગ કરી શકતા નથી અને ગામને છેડે આવેલ ખુલ્લી જગ્યામાં અંતિમવિધિ કરવાની ફરજ થઈ પડે છે.
તંત્રની લાપરવાહી: ગામમાં વસતા આદિવાસી સમાજનાં આગેવાનોની રજૂઆત છે કે, ગામમાં તેઓ માટે અલાયદું અત્યાધુનિક સગવડો સાથેનું સ્મશાન ગૃહ નિર્માણ પામે, જેથી ગ્રામજનોને રાહત રહે. છેલ્લા 50 વર્ષથી આ ગામના લોકો આ સગવડથી વંચિત રહ્યા છે અને તેઓ અવારનવાર અલાયદૂ સ્મશાન ગૃહ બને તે માટે તંત્રમાં રજૂઆતો કરે છે. તેમજ ચૂંટાયેલા પ્રતિનિધિઓને પણ આ અંગે રજૂઆત કરી માગણી કરતા હોય છે પરંતુ આજદીન સુધી તેઓની આ સમસ્યાઓનો ઉકેલ આવ્યો નથી.
'ચોમાસાની ઋતુમાં જો કોઈનું અવસાન થાય તો અંતિમક્રિયા કરવું ખુબ પડકારજનક થઇ પડે છે. ખુલ્લામાં વરસાદની વચ્ચે અંતિમક્રિયા કરવાથી મોતનો પણ મલાજો જળવાતો નથી. આ મામલે અનેકવાર અમોએ તંત્ર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને રજૂઆત કરી ચુક્યા છે પરંતુ તેનો કોઈ નિકાલ આવેલ નથી. તંત્ર આ સમસ્યા પ્રત્યે દુર્લક્ષ સેવી રહ્યું છે અને તંત્ર ઘોર નિંદ્રામાં છે.' -ગ્રામજન
તાત્કાલિક સ્મશાન બનાવવામાં આવે તેવી માંગ: ગામના આગેવાનોની માગણી છે કે હાલના દ્રશ્ય જોઈ તંત્ર અને સ્થાનિક આગેવાનો જાગે અને તેઓની આ સમસ્યાઓનો સત્વરે ઉકેલ લાવે અને સરકારી ગ્રાન્ટના નાણાનો ઉપયોગથી ગામમાં અલાયદું અને અત્યંત આધુનિક સુવિધાઓ સાથેનું સ્મશાન ગૃહ નિર્માણ કરી આપે. જો આમ થશે વર્ષો જૂની સમસ્યાનો ઉકેલ આવશે.