જો કે સ્વાસ્થ્યના કારણોસર તેઓ આ એવોર્ડ સ્વીકારવા દિલ્હી જઇ શક્યા ન હતા. તેને અનુલક્ષીને મંગળવારના રોજ રાજ્યના અધિક મુખ્ય સચિવ સંગીતા સિંઘે તેમના નિવાસસ્થાને જઇને શુભેચ્છા મુલાકાત લીધી હતી. ભારતના રાષ્ટ્રપતિ વતી પદ્મ પુરસ્કાર પ્રદાન કર્યો હતો. તેમણે જ્યોતિભાઇની કલા સાધનાને બિરદાવીને પ્રશાસન વતી અભિનંદન પાઠવ્યા હતા અને ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી. આ પ્રસંગે વડોદરા જિલ્લા કલેકટર શાલિની અગ્રવાલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
જ્યોતિભાઇ ભટ્ટની કલા સિદ્ધિઓ અને કલાને સમર્પિત જીવન યુવા પેઢી માટે પ્રેરણાપ્રદ છે, એવી લાગણી વ્યક્ત કરતાં અધિક મુખ્ય સચિવે જણાવ્યું હતું કે, તેમના રાષ્ટ્રીય સન્માનથી ગુજરાતનું ગૌરવ વધ્યું છે. આટલા ઉચ્ચત્તમ કલાવિદ હોવા છતાં તેમનું સૌજન્ય અને સાદગી અનોખો પ્રભાવ પાડે છે.
જ્યોતીના ભટ્ટે ઘેર આવીને ઉચ્ચ અધિકારી પદ્મ પુરસ્કાર અર્પણ કરે તેવા પ્રશાસનના સૌજન્ય માટે ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે ભારતનું પ્રત્યેક રાજ્ય, પ્રત્યેક જનજાતિ અનોખી કલાસમૃધ્ધિ ધરાવે છે. આ કલાકારોને પીઠબળ આપીને કલાને જીવંત રાખી શકશે. વડોદરા જિલ્લા કલેકટર શાલિની અગ્રવાલે જણાવ્યું કે, જ્યોતિભાઇ ભટ્ટને પદ્મ પુરસ્કાર મળવાથી વડોદરા ગૌરવન્વિત થયું છે. તેમની કલાસાધના ખૂબ જ પ્રેરણાદાયક છે.