વડોદરા : સમગ્ર ગુજરાતમાં જુનિયર ક્લાર્કની પરીક્ષાના પેપર લીક મામલો ઉગ્ર બન્યો છે. જોકે, ગણતરીના કલાકોમાં જ ગુજરાત ATS દ્વારા આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. ત્યારે આ તમામ આરોપીઓને ગઈકાલે વડોદરા કોર્ટમાં રજૂ કરાયા હતા. ત્યારબાદ પેપર લીક કાંડનો સૂત્રધાર પ્રદીપ અને નરેશ જે હોટલમાં રોકાયા હતા. ત્યાં મોડી સાંજે ATSની ટીમે સર્ચ કર્યું હતું. આ ઉપરાંત ATSની ટીમે ભાસ્કર ચૌધરીની અટલાદરાના પ્રમુખ બજાર ખાતે આવેલી સ્ટેકવાઇઝ ટેકનોલોજીની ઓફિસે તપાસ કરી હતી.
આ પણ વાંચો : Junior Clerk Exam Paper Leak: પેપરલીક કાંડના 15 આરોપીઓના 12 દિવસના રિમાન્ડ મંજૂર
આરોપીઓ રોકાયા ત્યાં સર્ચ : ગુજરાત સરકારની જુનિયર ક્લાર્ક વર્ગ 3ની પરીક્ષાના પેપર લીક કરવાના કૌભાંડમાં હૈદરાબાદથી પેપર લઇ આવનાર ઓરિસ્સાનો પ્રદીપ નાયક તેમજ સુરતનો એજન્ટ નેરશ મોહન્તી સયાજીગંજની અપ્સરા હોટલમાં રોકાયા હતા. જેથી ATSની ટીમે સાંજે હોટલમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ ઉપરાંત પોલીસે પ્રદીપ અને નરેશને મળવા માટે કોણ કોણ આવ્યું હતું. તેની પણ વિગતો તપાસવા CCTVના ફૂટેજની તપાસ તેમજ હોટલના સ્ટાફની પૂછપરછ કરી છે. ATSની ટીમે ભાસ્કર ચૌધરીની અટલાદરાના પ્રમુખ બજાર ખાતે આવેલી સ્ટેકવાઇઝ ટેકનોલોજીની ઓફિસે તપાસ કરી હતી. આ સમગ્ર મામલે હાલમાં ગુજરાત ATS દ્વારા સધન પુછતાછ અને હાલમાં પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યા છે. જેમાં ટેક્નિકલ અને અન્ય માધ્યમથી ઊંડે ઊતરી તલસ્પર્શી તપાસ ચાલી રહી છે.
આ પણ વાંચો : Junior Clerk Paper Leak : પેપર કાંડ મામલે AAP અને NSUIએ સાથે મળી કર્યો ઉગ્ર વિરોધ
છેલ્લા 15 દિવસથી સક્રિય : સાથે આ એજન્સી દ્વારા જુનિયર ક્લાર્ક પરીક્ષા આપનાર ઉમેદવારો પાસે ઓફર લઇને કોણ ગયું, રૂપિયાનો વ્યવહાર કેવી રીતે કરવાનો હતો. તેની તપાસ તપાસ કરવામાં આવી હતી. પેપર લીક કરનાર ટોળકીએ 40 જેટલા ઉમેદવારોને શોધી રાખ્યા હોવાની પ્રાથમિક વિગતો જાણવા મળી રહી છે. ગુજરાત સરકારની જુનિયર ક્લાર્કની પરીક્ષા પાસ કરાવી આપવા માટે પેપર લીક કરનાર કૌભાંડીઓ છેલ્લા 15 દિવસથી સક્રિય હોવાનું મનાય છે. આ ટોળકીએ 40 જેટલા ઉમેદવારોને તૈયાર કર્યા હોવાનું પણ બિનસત્તાવાર રીતે જાણવા મળ્યું છે. જેથી ATSની ટીમ દ્વારા કૌભાંડીઓએ પરીક્ષાર્થીઓને કેવી રીતે શોધ્યા અને કેટલી રકમ કેવી રીતે લેવાની હતી. તેમજ કોણ રકમ ઉઘરાવનાર હતું તેની ડીટેલ તપાસી રહી છે.