બિન સચિવાલયની પરીક્ષા રદ્દ થયા બાદ પુનઃ એક ભરતી પરીક્ષા વિવાદમાં આવી છે. વીજ કંપનઓ દ્વારા જુનિયર આસિસ્ટન્ટના પદ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, પરંતુ આ ભરતી પ્રક્રિયામાં ઇકોનોમિક બૅકવર્ડ ક્લાસના પરીક્ષાર્થીઓ વંચિત ન રહી જાય તે માટે પ્રક્રિયા રદ્દ કરી પુનઃ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ત્યારે આ નવા જાહેરનામા નિયમોમાં ફેરફાર કરાતા પરીક્ષાર્થીઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે.
જુના જાહેરનામા મુજબ કોઈપણ સ્નાતક આ પરીક્ષા આપી શકે છે, પરંતુ નવા નિયમોમાં 55% કે તેથી વધુ ગુણ ધરાવતા સ્નાતક જ પરીક્ષા આપી શકશે, તેવો નિયમ આવતા વિદ્યાર્થીઓમાં રોષ ફેલાયો છે. વડોદરાના માંડવી ખાતે આવેલી સેન્ટ્રલ લાઇબ્રેરી ખાતે શુક્રવારે પરીક્ષાર્થીઓએ એકત્રિત થઈ ઉગ્ર સૂત્રોચ્ચાર કરી નિયમોના ફેરફારો કરવાની માગ સાથે વિરોધ પ્રદર્શિત કર્યો હતો. પરીક્ષાર્થીઓએ જણાવ્યું હતું કે, જો આ અંગે કોઈ વહેલી તકે નિરાકરણ નહીં લાવવામાં આવે તો ગાંધીનગર ખાતે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે.