વડોદરાઃ શહેરના આજવા રોડ પર એક યુવકની પત્નીની એજ વિસ્તારના 40 ક્વાટર્સનો રહેવાસી રાહુલ વસાવાએ ચાર માસ પૂર્વે છેડતી કરી હતી. જેથી મહિલાના પતિ અને છેડતી કરનાર વચ્ચે ઝઘડો થયો હતો. આ ઝઘડામાં આરોપી રાહુલ અને અન્ય ત્રણ મિત્રોએ પણ મહિલાના પતિને માર માર્યો હતો.
આ અંગે પતિએ બાપોદ પોલીસ મથકમાં અરજી આપી હતી. આ અરજી પરત ખેંચવા માટે બે દિવસ પૂર્વે પતિને રાહુલ કમલેશ વસાવા અને તેના 40 ક્વાટર્સમાં જ રહેતા ત્રણ મિત્ર દિપક ઉર્ફ ફંટીયો પવાર, પપ્પુ પવાર, મનિષ કમલેશ વસાવાએ જે.પી. નગર વુડાના મકાન પાસે બોલાવ્યો અને જીવલેણ હુમલો કર્યો હતો.
જેમાં રાહુલ લોખંડની કોશ હાથમાં મારી હતી. દિપકે લોખંડની પાઇપના ફટકા હાથ પર માર્યા હતા. પપ્પુ પવારે ચાકૂથી હુમલો કર્યો હતો અને મનિષે પગમાં બેઝબોલ સ્ટીકથી ફટકા માર્યા હતા. પતિ પર હુમલો થયો હોવાની જાણ પત્નીને અને ભાઇ તથા પરિવારજનોને થતાં સ્થળ પર દોડી ગયા હતા અને લોહીલુહાણ થઇ ગયેલા પતિને 108 એમ્બ્યુલન્સમાં સયાજી હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. આ બનાવમાં પોલીસે હુમલાખોરો સામે હત્યાનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.