વડોદરાઃ તેલંગાણાના રહેવાસી બાબુ શેખ નિસાર અમદાવાદ ખાતે રહેતા હતા અને વડોદરા ટ્રેન મારફતે આવી સાયકલ ઉપર ફેરી ફરતા હતા. ગત તારીખ 10મી ડિસેમ્બરના રોજ એસટી ડેપો પાસેથી ફતેગંજ પોલીસ મથકના D સ્ટાફના 3 જવાનો પૂછપરછ માટે તેમને પોલીસ સ્ટેશન લઇ ગયા હતા. ત્યારબાદ તેમનો પુત્ર સલીમ શેખ છેલ્લા 6 મહિનાથી શહેરના વિવિધ પોલીસ સ્ટેસનો અને દવાખાનાઓમાં પોતાના ગુમ થયેલા પિતાને શોધવા માટે ફરી રહ્યો હતો પણ તેના પિતાનો કોઈ પત્તો મળ્યો ન હતો. પૂછપરછ માટે ફતેગંજ પોલીસ સલીમના પિતા બાબુ શેખની નિસરને લઈ ગયા બાદ તેઓ ભેદી સંજોગોમાં ગુમ થઈ ગયા હતા. જેને લઇ સલીમે પિતાને શોધવા આકાશ પાતાળ એક કરી દીધા હતા. પરંતુ પોલીસ તરફથી કોઈ પ્રતિસાદ મળ્યો ન હતો. જેથી પુત્રએ ગુમ થયેલા પિતાને શોધવા માટે હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરી હતી. શેખ બાબુના પરિવારે આરોપ લગાવ્યો હતો કે, તેમને શરૂઆતથી જ પોલીસ ગેરમાર્ગે દોરી રહી હતી અને વિસ્તૃત તપાસ કરી ન હતી.
શેખ બાબુના પરિવારે જણાવ્યું કે, તેમના પિતા ગત 10મી ડિસેમ્બરે વડોદરા રેલવે સ્ટેશન પરથી સાયકલ લઈને ફેરી ફરવા નીકળ્યા હતા તેમણે રસ્તામાં નાસ્તો પણ કર્યો હતો અને તેના પણ CCTV ફૂટેજ છે. જોકે ત્યાર પછી ફતેગંજ પોલીસ પૂછપરછ માટે લઈ ગઈ હતી. ત્યારબાદ તેઓ લાપતા થયા હતા. ફતેગંજ પોલીસ સ્ટેશનમાં સાંજના 7ઃ30 મિનિટ સુધી તેમની હાજરી હોવાનું જણાવ્યું છે. પરંતુ ત્યારબાદ તેઓ ક્યાં ગયા તે વિશે પોલીસ નક્કર હકીકત જણાવતી ન હતી. જોકે પોલીસે તપાસને પણ ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો.
આ દરમિયાન પોલીસ કર્મીઓના નિવેદન બાદ મદદનીશ પોલીસ કમિશ્નર એસજી પાટીલે આ મામલે ફતેગંજ પોલીસ મથકના PI ધર્મેન્દ્રસિંહ ગોહિલ, PSI દશરથભાઈ રબારી, લોકરક્ષક દળના પંકજ, યોગેન્દ્રસિંહ, રાજેશભાઈ અને હિતેશભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી તપાસના આદેશ આપતાં પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચી ગયો છે.