રાજ્ય સરકારે વડોદરા શહેરના નિર્દિષ્ટ વિસ્તારોમાં અશાંતધારાના અમલીકરણની મુદ્દતમાં 5 વર્ષનો વધારો કર્યો છે અને શહેરના વારસિયા, કારેલીબાગ, બાપોદ અને રાવપુરા પોલીસ મથક હેઠળના કેટલાક નવા વિસ્તારોનો તેમાં સમાવેશ કર્યો છે.
વડોદરા શહેરમાં નિયમ પ્રમાણે આ ધારા હેઠળ આવતા શહેરી વિસ્તારોમાં સ્થાવર મિલકતોની તબદીલીના કિસ્સાઓમાં, કાયદાની જોગવાઈઓ અનુસાર જિલ્લા પ્રશાસનની પૂર્વ મંજૂરી મેળવવી અનિવાર્ય છે અને તેના માટે જોગવાઈઓમાં ઠરાવેલી કાર્ય પદ્ધતિ અનુસરવી જરૂરી છે. આ અનુસંધાને જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલે બેઠક યોજીને શહેર પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલૌત અને જિલ્લા પ્રશાસન અને પોલીસ તંત્રના સંબંધિત અધિકારીઓ સાથે આ ધારાની વિવિધ જોગવાઈઓના સુસંકલીત, ક્ષતિરહિત અને ચુસ્ત અમલીકરણની રૂપરેખાનો વિચાર વિમર્શ કર્યો હતો.
આ બેઠકમાં તેના વધુ અસરકારક અમલીકરણ માટે સૂચનો મેળવવાની સાથે યથાયોગ્ય અમલિકરણનું માર્ગદર્શન બંને ઉચ્ચ અધિકારીઓ દ્વારા આપવામાં આવ્યું હતું. આ બેઠકમાં સીટી સર્વે અને સબ રજીસ્ટાર કચેરીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.