- વિજય સંકલ્પ સંમેલનમાં ધાનાણીએ સભા સંબોધી
- પોલીસનાં ડંડે પીટાવી અને પછી કાળા ધનના જોરે ધારાસભ્યો ખરીદ્યા
- વિકાસ 23 ટકા ઉંડા ખાડામાં ઉંધામાથે લટકી રહ્યો છે
વડોદરા : ગુજરાતમાં આગામી 3જી નવેમ્બરે યોજાનારી 8 બેઠકોની પેટા ચૂંટણીઓ માટે મુખ્ય રાજકીય પક્ષોએ કમર કસી છે. વડોદરાની કરજણ બેઠક સર કરવા બીજેપી અને કોંગ્રેસ એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. રાજકીય અગ્રણી સહિત પ્રધાનો કરજણ બેઠકનાં ઉમેદવારનાં પ્રચાર માટે લોકસંપર્ક બેઠકો અને જાહેર સભાઓ ગજવી રહ્યા છે. સોમવારે કરજણ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર કિરીટસિંહ જાડેજાનાં પ્રચાર માટે વિધાનસભાનાં વિપક્ષનાં નેતા પરેશ ધાનાણી કરજણનાં એક દિવસનાં પ્રવાસે છે. તેમને શીનોર તાલુકાનાં સેગવા ગામે જાહેર સભા સંબોધી હતી.
વિજય સંકલ્પ સંમેલનમાં ધાનાણીએ સભા સંબોધી
સેગવાની પટેલ વાડી ખાતે કોંગ્રેસનાં ઉમેદવાર માટે યોજવામાં આવેલી વિજય સંકલ્પ સંમેલનમાં 300 જેટલા ગ્રામજનો સહિત કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતાં.સેગવા ગામના કોંગ્રેસના પ્રભારી સંજય પટેલ, પૂર્વ રેલમંત્રી નારાયણ રાઠવા,જિલ્લા પ્રમુખ સાગર કોકો ઉપસ્થિત રહ્યા હતા અને કોંગ્રેસને મત આપવા જણાવ્યું હતું.
કોંગ્રેસ એ માત્ર પાર્ટી નથી એક વિચાર છે
પરેશ ધાનાણીએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે, દેશમાં આઝાદી લાવનારા દેશમાં લોકશાહી અપાવનારા અને દેશમાં 70-70 વર્ષ સુધી લોકશાહીને ટકાવનારી કોંગ્રેસ એ માત્ર પાર્ટી નથી એક વિચાર છે. આંદોલનનો વિચાર અધિકારનો વિચાર અને જ્યાં સુધી આ દેશમાં ગરીબ ગામડા અને ખેડૂતના હૃદયમાં ધડકન ચાલે છે, ત્યાં સુધી કોંગ્રેસ સામાન્ય માણસની સમસ્યાઓને સાંભળી સમજી અને એનો અવાજ બનવા આગળ વધતી રહેશે મજબૂત રહેશે.
ભગેડુ ધારાસભ્યો પર કર્યા આકરા પ્રહાર
ધારાસભ્યોના પક્ષપલટો બાબતે ધાનાણીએ જણાવ્યું કે, ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર નાબુદ કરવા 1995માં ભાજપને 127 બેઠકમાં વિજય અપાવનારી ગુજરાતની જનતા હવે ભાજપને ઓળખી ગઈ છે. તમામ મોરચે ભારતીય જનતા પાર્ટી નિષ્ફળ નીતિઓના કારણે દર વર્ષે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની સંખ્યા ઘટતી જાય છે. 2017ની ચૂંટણીમાં તો નર્વસ નાઈન્ટીની અટકેલી ભાજપની સરકારમાં મુખ્યપ્રધાનની ખુરશી બચાવવા રિમોટ કન્ટ્રોલથી ચાલતી રૂપાણી સરકારે કમલમ કાર્યાલયે કાળા ધનના કોથડાથી વિપક્ષના ધારાસભ્યોને ખરીદી લોકોના ઈમાનને ખરીદવાનો પ્રયાસ કર્યો છે. લોકોના મતને કચડવાનો પ્રયાસ કર્યો છે. તેનો જવાબ ગુજરાતની જનતા આપશે. લોકશાહીની અંદર બહુમતીએ સુશાસન સ્થપાય અને જ્યાં લઘુમતી હોય એક વિપક્ષ તરીકે પ્રજાની સમસ્યાઓની વેદનાને વાચા આપવાનું કામ કરતો હોય છે.
પોલીસનાં ડંડે પીટાવી અને પછી કાળા ધનના જોરે ધારાસભ્યો ખરીદ્યા
ધાનાણીએ ભાજપ પર આક્ષેપ કરતા જણાવ્યું કે, ગાંધી અને સરદારનું ગુજરાત સ્વાભિમાનથી આગળ વધનારૂ ગુજરાત એમાં ક્યાંય તમામ મોરચે નિષ્ફળ નીવડેલી સરકારની નિષ્ફળતાઓ છૂપાવવા માટે ક્યાંક ભ્રમથી લલચાવી, ફોસલાવી ડરાવી-ધમકાવી ખોટા કેસો કરાવી પોલીસનાં ડંડે પીટાવી અને પછી કાળા ધનના જોરે મુખ્યપ્રધાનના બંગલે કરોડોમાં 8 ગદ્દારોને તોડ્યા એ હવે ગુજરાત સવાલ પૂછે છે. સ્થાનિક ધારાસભ્યએ કીધું કે, 52 કરોડની ઓફર હતી ત્યારે ન ગયો તો અત્યારે કેટલા કરોડ આપ્યા હશે? આ પ્રજાના ઈમાનની બારોબાર હરાજી કરવી પડી. એ હરાજી અંગે હવે કરજણના મતદારો સવાલ પૂછે છે. ત્રીજી તારીખે લોકો મતદાન કરવા જશે ત્યારે મને લાગે છે કે, ગાંડો હશે તે ચલાવશે પણ ગદ્દારને કોઇ મત આપશે નહીં. આઠે આઠ બેઠકમાં ગદ્દારો હારશે.
વિકાસ 23 ટકા ઉંડા ખાડામાં ઉંધામાથે લટકી રહ્યો છે
પરેશ ધાનાણીએ વિકાસ બાબતે વાત કરતા જણાવ્યું કે, ભારતીય જનતા પાર્ટીનો વિકાસ ગાંડો થયો, વિકાસ ઝાડવે ઊંધો લટકી ગયો, વિકાસ ચોમાસામાં ખાડામાં પડી ગયો અને હવે આ ભારતીય જનતા પાર્ટીનો વિકાસ તો સરકારી આંકડાઓ મુજબ 23 ટકા ઊંડા ખાડાની અંદર ઉંધામાથે લટકી રહ્યો છે. હવે ગુજરાતની કોઈ માના ઘરે જો ઘોડિયું બંધાય તો એના છોકરાનું નામ વિકાસ રાખતા પણ શરમાય છે. ત્યારે વિકાસના સપનાઓને સાકાર કરવા સત્તા પરિવર્તનના સંકલ્પ સાથે હવે ગુજરાત આગળ વધી રહ્યું છે.