વડોદરા: વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં મોટી સંખ્યામાં મગરો નિવાસ કરી રહ્યા છે, ત્યારે હવે ચોમાસાની શરૂઆત થતાંજ મગર સ્થળાંતર કરતા જોવા મળી રહ્યા છે. આજે વહેલી સવારે શહેરના સુખલીપુરા ગામમાં 12 ફૂટનો મહાકાય મગર દેખાતા કુતુહલ સર્જાયું હતું. આ મગરને પકડવા વડોદરાની વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટીમ અને વન વિભાગની ટીમને કોલ મળતા જ મગરને રેસ્ક્યુ કરવા પોહચી ગઈ હતી. વરસાદ શરૂ હોવાથી ભારે જહેમત બાદ મગરનું રેસ્ક્યુ કરી વનવિભાગના રેસ્ક્યુ સેન્ટર પર મગરને લાવવામાં આવ્યો હતો.
"શહેર નજીક ગોલ્ડન ચોકડી પાસે આવેલા સુખલીપુરા ગામમાંથી વહેલી સવારે 3 વાગે સરપંચનો ફોન આવ્યો હતો કે અમારા ગામની અંદર ભરવાડ વાસ આવેલો છે. ત્યાં એક મોટો મગર રોડ પર આવી ગયેલ છે. આ કોલ મળતાની સાથે જ અમારી સંસ્થાના સેક્રેટરી યુવરાજસિંહ રાજપુત, કિરીટ રાઠોડ, અશોક વસાવા, હાર્દિક પવાર અને વડોદરા વન વિભાગના રેસ્ક્યુઅર નીતિનભાઈ પટેલ અને લાલજી નિઝામાને લઈને ત્યાં પહોંચ્યા હતા"--અરવિંદભાઈ પાવર (વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટીમના ટ્રસ્ટના પ્રેસિડેન્ટ)
હેઠ ચેક કર્યા બાદ છોડી મુકાશે: 12 ફૂટનો મહાકાય મગર ભરવાડના ઘર પાસે આવેલા રોડ પર જોવા મળ્યો હતો. આ મગરને અડધો કલાકની ભારે જહેમત બાદ સહી સલામત રીતે રેસ્ક્યુ કરી વડોદરા વન વિભાગનાં રેસ્ક્યુ સેન્ટર પર લઈ જવામાં આવ્યો હતો. આ અંગે આર એફ ઓ કિરણસિંહ રાજપુતે જણાવ્યું હતું કે, સુખલીપુરા ગામે સરપંચનો કોલ મળતા જ વનવિભાગની ટીમ રવાના થઇ હતી. આ મગર 11.2 ફૂટનો છે. હાલમાં વડોદરા રેસ્ક્યુ સેન્ટર પર લાવવામાં આવ્યો છે જ્યાં તબીબ દ્વારા તેનું હેલ્થ ચેક કર્યા બાદ તેને વિશ્વમિત્રી નદીના રહેઠાણ સ્થળે છોડી મુકવામા આવશે.
મગર નીકળવાના શરૂ: ઉલ્લેખનીય છે કે વડોદરા શહેરએ મગર નગરી તરીકે ઓળખાય છે. ચોમાસાની શરૂઆત હોય કે ચોમાસુ હોય ત્યારે મગરો અવાર-નવાર વિશ્વામિત્રીની કોતરોમાંથી બહાર નીકળતા હોય છે. ત્યારે આજે વહેલી સવારથી જ વરસાદની શરૂઆત થઈ છે અને શહેર નજીક આવેલ સુખલીપુરા ગામ ખાતે મગર દેખાયો હતો. જો કે તે સ્પષ્ટ થયું નથી કે આ મગર આસપાસના તળાવ માંથી આવ્યો છે કે પછી વિશ્વમિત્રી નદીની કોતરમાંથી આવ્યો છે. આજથી વરસાદની શરૂઆત થઈ છે ત્યારે હવે આવનાર દિવસોમાં પણ શહેરમાં વિશ્વામિત્રી નદીમાંથી મગરો નીકળવાના બનાવો સામે આવી શકે છે.