સુરત: શહેરમાં વધુ એક શર્મનાક ઘટના સામે આવી છે. જોકે, સ્થાનિકોની સતર્કતાને કારણે એક બાળકી પીંખાતી બચી ગઈ છે. ફૂલ જેવી 8 વર્ષની બાળકી રમી રહી હતી તે સમયે 48 વર્ષીય નરાધમ શેલાબ યાદવ નામના વ્યક્તિ તેને ચોકલેટ આપવાની લાલચ આપીને અવાવરું જગ્યાએ લઈ ગયો હતો.
અવાવરુ જગ્યાએ લઈ જઈને નરાધમ બાળકી સાથે શારીરિક અડપલા કરી રહ્યો હતો. આ દરમિયાન પાડોશમાં રહેતી એક મહિલાની નજર ત્યાં પડતા તે ચોંકી ઊઠી હતી. આ દૃશ્ય જોઈને મહિલાએ તુરંત જ બાળકીનું નામ લઈ બુમાબૂમ શરૂ કરી દીધી હતી.
મહિલાનો અવાજ સાંભળીને બાળકી તુરંત જ નરાધમની પકડમાંથી છૂટી મહિલા પાસે પહોંચી ગઈ હતી. મહિલા દ્વારા ઝડપથી સ્થિતિ સંભાળતા નરાધમ શેલાબ યાદવની મેલી મુરાદ પાર પડી નહોતી અને માસૂમ પીંખાતા બચી ગઈ હતી.
આ મામલે સુરત ડીસીપી ઝોન-4 ના અધિકારી વિજય ગુર્જરે જણાવ્યું હતું કે, મહિલાની સાહસિક પ્રવૃત્તિના કારણે આ ઘટના પોલીસ સુધી પહોંચી છે. આ અંગે બાળકીના માતા-પિતાએ તરત જ વેસુ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. મહિલાની સતર્કતાના કારણે આ સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે. અત્યારે બાળકીનું નિવેદન લેવામાં આવી રહ્યું છે અને આરોપીની પણ ધરપકડ કરી લેવામાં આવી છે.
કોણ છે નરાધમ આરોપી: બાળકી સાથે અડપલા કરનાર આરોપી શેલાબ યાદવ મૂળ ઉત્તર પ્રદેશના ગોરખપુરનો રહેવાસી છે અને છેલ્લા 30 વર્ષથી સુરતમાં રહે છે. તે છેલ્લા 10 વર્ષથી વેસુમાં રહેતો હતો અને પથ્થર ઘસવાનું કામ કરે છે. હાલ તો પોલીસે આરોપીને ઝડપી પાડીને તેની સામે વધુ કાર્યવાહી હાથ ધરી છે.