વડોદરા :મહામારી બની સમગ્ર વિશ્વ પર ત્રાટકનાર કોરોનાએ ભારતને પણ પોતાનાં ભરડામાં લીધો છે. દેશનાં અનેક રાજ્યો જ્યારે કોરોનાની ઝપટમાં છે. ત્યારે ગુજરાતમાં પણ કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે. ગુજરાતમાં કોરોના રોજે-રોજ સેંકડો મનુષ્યોને પોતાનાં સંકજામાં લઇ રહ્યો છે. કોરોનાનો સૌથી વધુ ભોગ મોટી ઉંમરની વ્યક્તિઓ બની રહી છે. કોરોનાથી મૃત્યુ પામનાર લોકોમાં સૌથી વધુ લોકો 60 વર્ષથી વધુ ઉંમરનાં વડીલો છે.
જે તંત્ર માટે ચિંતાનો વિષય બન્યો છે. તંત્રની આ ચિંતા વચ્ચે વડોદરાનાં એક વયોવૃદ્ધ દર્દીએ કોરોનાને માત આપી તંત્રને મોટી રાહત પહોંચાડી છે. વડોદરાનાં નવાબજાર મરાઠી મહોલ્લામાં રહેતાં 90 વર્ષનાં ગંગાબેન પ્રજાપતિને 27 એપ્રિલે કોરોનાનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. જેથી તેમને સયાજી હોસ્પિટલનાં વિશેષ આઇશોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. ઉંમરલાયક વ્યક્તિમાં રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોવાને કારણે ગંગાબેનને કોરોનાથી બચાવવા એ તબીબો સહિત સમગ્ર મેડિકલ સ્ટાફ માટે પડકાર હતો.પરંતુ સતત 15 દિવસ સુધી કોરોના સામે ઝઝુમી ગંગાબેને કોરોનાને હાર આપી. તબીબોએ સઘન સારવાર કરીને ગંગાબેનને કોરોનાથી બચાવી સંપુર્ણ સાજા કરી દીધાં.અને હવે તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
આ સાથે જ વડોદરાનાં 90 વર્ષનાં ગંગાબેન પ્રજાપતિ કોરોનાને માત આપનાર રાજ્યનાં સૌથી વધુ ઉંમરનાં દર્દી બની ગયાં છે. કોરોનાને હરાવી હોસ્પિટલમાંથી રજા લેનાર ગંગાબાને વધુ સારા સ્વાસ્થ્યની કામના સાથે તબીબો અને સ્ટાફે વિદાય આપી તો સાચા કોરોના વોરિયરની જેમ ઘરે પરત ફરેલાં ગંગાબાને વિસ્તારનાં રહીશોએ પણ તાળીઓ સાથે ઉષ્માભેર આવકાર્યા હતાં. વડોદરાનાં આ ગંગાબાની નોંધ રાજ્યનાં આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ પણ લીધી અને વડોદરાનાં તબીબોનાં ઉમદા કાર્યને બિરદાવ્યું હતું. બીજી તરફ ગંગાબેન વતી તેમનાં પૌત્ર યોગેશભાઇએ પણ તેમની લાગણી વ્યક્ત કરી હતી.