વડોદરા: વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં નોકરી માટે પ્રકાશિત થયેલી નોકરીની જાહેરાત બતાવી ઠગાઈની ઘટના પ્રકાશમાં આવી છે. ત્રણ શખ્સો દ્વારા ઉમેદવાર પાસેથી 1.67 કરોડથી વધુ રૂપિયા પડાવ્યા હોવાની ફરિયાદ નોંધાઇ છે. આ રેકેટ ખૂબ મોટું હોવાનું અનુમાન હોવાથી તેની તપાસ ક્રાઇમબ્રાન્ચને સોંપવામાં આવી છે. અત્યાર સુધીમાં 15 જેટલા લોકોને નોકરી આપવાની લાલચમાં આપનાર ત્રણ શખ્સોની અટકાયત કરવામાં આવી છે.
નોકરીની લાલચમાં ગુમાવ્યા પૈસા: આ મામલે ધર્મેન્દ્રસિંહ ચાવડાએસીપીએ જણાવ્યું હતું કે ફરિયાદી અમદાવાદના રહેવાસી કિંજલબેન અમૃતભાઇ પટેલે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ પહેલા અમદાવાદ શહેરમાં એક અરજી આપી હતી કે, મેં શૈલેષ સોલંકી, રાહુલ પટેલ અને મનિષ કટારાને એક્ઝામ સુપરવાઇઝરની પોસ્ટ માટે 11 લાખ રૂપિયા આપ્યા હતા અને અરજીની પ્રાથમિક તપાસમાં અમદાવાદ શહેરમાં થયેલી અને સમગ્ર ઘટના વડોદરાની હોવાથી અરજી વડોદરામાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. વડોદરા પોલીસ કમિશ્નર દ્વારા આ અરજીની તપાસ સયાજીગંજ પોલીસને સોંપવામાં આવી હતી અને તપાસના અંતે ફરિયાદી કિંજલબેન પટેલની વિગતોના આધારે છેતરપીંડીની ફરિયાદ સયાજીગંજ પોલીસ મથકમાં નોંધાઇ છે.
ફરિયાદીને ફાઇનલ ઓર્ડર આપવામાં આવ્યો: વધુમાં જણાવ્યું હતું કે આરોપીઓએ એક્ઝામ સુપરવાઇઝરની પોસ્ટ માટે કિંજલબેન પટેલને વડોદરા બોલાવ્યા હતા અને તેમની 11 લાખ 50 હજાર રૂપિયા લીધા હતા અને આ માટે તેમણે સૌપ્રથમ તારીખ સાથેનો જોઇનિંગ લેટર આપ્યો હતો અને ત્યારબાદ તેમનું મેડિકલ કરાવવામાં આવ્યું હતું. પરીક્ષા પણ અહીંયા લેવામાં આવી અને ફાઇનલ ઓર્ડર પણ આપવામાં આવ્યો હતો.
15 લોકો સાથે કરોડોની છેતરપીંડી: ફરિયાદીની ફરિયાદ આધારે તપાસ શરૂ કરવામાં આવી હતી. જેમાં અન્ય ઉમેદવારો પણ સામેલ છે કે કેમ તે દિશામાં તપાસ કરવામાં આવી હતી. કિંજલબેને જે હકીકતો રજૂ કરી તે તમામ સાચી જણાતા અમે તપાસ શરૂ કરી હતી કે આમાં વધુ લોકો ફસાયા છે કે નહીં. જેમાં ગાંધીનગરના 2, અમદાવાદના 6, મહેસાણાના 5, મહિસાગરના 1 અને વલસાડના 1 મળીને કુલ 15 લોકો સાથે આ જ પ્રકારની છેતરપિંડી થઈ હોવાની માહિતી મળી હતી. જેમાં એક્ઝામ સુપરવાઇઝર, એક્ઝામ ક્લાર્ક અને પટાવાળાની પોસ્ટ માટે જુદી-જુદી રકમો ઉમેદવારો પાસેથી મેળવીને આરોપીઓએ 1.67 કરોડની મોટી રકમ મેળવીને છેતરપિંડી આચરી છે.
તપાસ ક્રાઇમબ્રાન્ચને સોંપાઈ: છેલ્લા એકાદ વર્ષમાં આ 15 લોકોને જુદા-જુદા સમયે વડોદરા બોલાવવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં 2019માં ન્યુઝ પેપરની અંદર ભરતી થશે તેવી જાહેરાત આપી હતી અને જેના આધારે જુદી-જુદી પોસ્ટ માટે લોકોને છેતર્યા હતા. MSUની આસપાસ રોડ પર ખોટી રીતે પરીક્ષા લીધેલી છે. આ એક ખૂબ જ મોટું ષડયંત્ર છે. આ ખૂબ મોટું કૌભાંડ હોવાથી તેની તપાસ વડોદરા ક્રાઇમ બ્રાંચને સોંપવામાં આવી છે. આામાં મુખ્ય આરોપીઓ સિવાય પણ આરોપીઓ હોવાનું અનુમાન છે અને હજુ વધારે લોકોને છેતર્યા હોવાની પણ શંકા છે. જેમ તપાસ આગળ વધશે તેમ તેમ આરોપીઓ પણ વધવાની શક્યતા છે.
ત્રણ શખ્સોની અટકાયત: ઉલ્લેખનીય છે કે એમએસ યુનિવર્સિટીમાં નોકરી આપવાના નામે ઠગાઈ આચરનાર ઇસમો સામે દાહોદમાં પણ ફરિયાદ નોંધાવી હતી. જેમાં બે ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા. હાલમાં શહેર ક્રાઈમબ્રાન્ચને તપાસ સોંપવામાં આવી છે. ત્યારે ફરી એકવાર એમ.એસ.યુનિવર્સિટીમાં નોકરી આપવાનું મોટું કૌભાંડ બહાર આવી શકે તેવી શક્યતાઓ સેવાઈ રહે છે. હાલમાં 15 લોકોના કરોડો રૂપિયા લેનાર ત્રણ ઈસમો સામે ફરિયાદ નોંધાય છે. ક્રાઈમબ્રાન્ચ અન્ય કેટલા લોકો સાથે ઠગાઈ થઈ છે અને આ ષડયંત્રમાં કોણ કોણ સામેલ છે તે દિશામાં હાલમાં તપાસ શરૂ કરી છે.