વડોદરાઃ શહેર સમલાયા પાસે આવેલી એસ.ઇ પાવર લિમિટેડ કંપનીમાં ભીષણ આગ લાગતા નાસભાગ મચી હતી. જો કે, કંપની બંધ હાલતમાં હોવાથી કોઈ જાનહાનિ થતા ટળી હતી. આ આગ કયા કારણોસર લાગી તે હજી જાણી શકાયું નથી, પરંતુ ફાયરબ્રિગેડના વિલંબના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા ધુમાડાના ગોટેગોટા આકાશમાં છવાયા હતા.
વડોદરાના સાવલી તાલુકાના સમલાયા ગામ નજીક વિન્ડ પાવર અને ટ્રાન્સફોર્મર બનાવતી એસ.ઇ પાવર લિમિટેડ કંપનીમાં ભીષણ આગ લાગી હતી. સ્થાનિક ગ્રામજનોના જણાવ્યા અનુસાર પહેલા એક પ્રચંડ વિસ્ફોટ થયો અને જોતજોતામાં કંપનીનો પ્લાન્ટ આગના હવાલે થઈ ગયો હતો.
ગ્રામજનોના ટોળેટોળા કંપની બાહર એકઠા થઇ ગયા પણ ફાયરબ્રિગેડ નહીં પહોંચવાના કારણે આગ વધુને વધુ ફેલતી ગઈ હતી, સ્થાનિકો એ ફાયરબ્રિગેડમાં કોલ કરતા જાણવા મળ્યું કે, કોરોનાની કામગીરી ચાલતી હોવાથી કોઈ ડ્રાઇવર હાલ ફ્રી નથી. અંતે મોડે મોડે ફાયરબ્રિગેડ આવતા આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો શરૂ કર્યા હતા.
મહત્વની વાત એ છે કે, કંપનીનું પ્રોડક્શન બંધ હતું અને કંપની સંપૂર્ણપણે શટડાઉન હતી તો પછી કંપનીમાં આગ કેવી રીતે લાગી? હાલ તો એ તપાસનો વિષય છે. જો કે, કંપની ચાલુ હોત અને કામદારો અંદર હોત તો મોટી જાનહાનિ થવાની સંભાવના સર્જાઈ હોત.