વડોદરા : જિલ્લા વહીવટી તંત્રની સંકલનની બેઠક આજે કલેકટર કચેરી ખાતે મળી હતી. આ સંકલનની બેઠકમાં જિલ્લાના વિવિધ પ્રશ્નો અંગે ધારાસભ્યોએ કલેકટરને ઉગ્ર રજૂઆત કરી હતી. મુખ્યત્વે ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળી રહે તે માટે સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે માંગ કરી હતી. તેઓએ જો ખેડૂતોનો પ્રશ્ન નહીં ઉકેલાય તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી. આ સાથે કરજણના અને વાઘોડિયાના ધારાસભ્યએ પણ તેઓના વિસ્તારની સમસ્યા અને પ્રશ્નો કલેક્ટર સમક્ષ મૂક્યા હતા.
ધારાસભ્યની ઉગ્ર રજૂઆત : વડોદરા જિલ્લા વહીવટી તંત્રની સંકલનની બેઠકમાં ખેડૂતોના મુદ્દે સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે ઉગ્ર રજૂઆત કરી હતી. તેઓએ કલેકટરને રજૂઆત કરતા કહ્યું કે, ખેડૂતોને આ વખતે પાણી નહીં મળે તો હજારો ખેડૂતોને સાથે રાખી આંદોલન કરીશું. નર્મદા નિગમના અધિકારીઓની આડોડાઈને કારણે ખેડૂતોને પાણી મળતું નથી. 15 માર્ચ પછી 31 જૂન સુધી રીપેરીંગ અને મેન્ટેનન્સનું કામ કરવાનું હોય છે. પરંતુ નિગમના અધિકારીઓ આ મુદ્દે આળસુ વલણ રાખે છે. વરસાદ બંધ થશે પછી ખેડૂતોને પાણીની જરૂર પડે તે સમયે સમયસર મળતું નથી.
અધિકારીઓ જવાબદાર : વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, દર વર્ષે રજૂઆત કરીએ છીએ. પરંતુ અધિકારીઓ વિવિધ બહાના કરી પાણી આપતા નથી. જેથી ખેડૂતોને પાકમાં નુકસાન થાય છે. આ વખતે ખેડૂતોને પાણી નહીં મળે તો અધિકારીઓ પરિણામ ભોગવવા તૈયાર રહે. અધિકારી પોતાના માલાફાઇડ ઇન્ટ્રેસ્ટ સિધ્ધ કરવા ખેડૂતોને પાણી નથી આપતા. અધિકારીઓમાં કામ કરવાની અક્કલ નથી, અણઘડ વહીવટ કરે છે. આ રજૂઆતમાં કરજણ ભાજપના ધારાસભ્ય અક્ષય પટેલે કેતન ઈનામદારની વાતમાં સૂર પુરાવ્યો હતો. ઉપરાંત યોગ્ય કામગીરી થાય તે માટે રજૂઆત કરી હતી.
વાઘોડિયા અને વડોદરા તાલુકાના ખેડૂતોને 24 કલાક વીજળી આપવા માંગ કરવામાં આવે છે. ઉપરાંત વાઘોડિયા અને વડોદરા તાલુકાના 4 ધાર્મિક અને પર્યટન સ્થળોને યાત્રાધામમાં સમાવવા આવે. વાઘોડિયાના અનગઢ ગામમાં આવેલ મહોણી માતાના મંદિર, કોટના મહીસાગર નદીનો બીચ, વાઘોડિયામાં આવેલા માનોધર શિવમંદિરને યાત્રાધામમાં સમાવેશ કરવામાં આવે.-- ધર્મેન્દ્રસિંહ વાઘેલા (ધારાસભ્ય, વાઘોડિયા)
કલેક્ટરના આદેશ : જિલ્લા સંકલનની બેઠકમાં સિંચાઇના પાણી મામલે ધારાસભ્યોની રજૂઆત બાદ કલેકટર એ. બી. ગોરે મહત્વનું નિવેદન આપ્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે, સિંચાઈ વિભાગના અધિકારીઓને આ બાબતે સૂચના આપવામાં આવી છે. સંકલન કરીને ખેડૂતોને મુશ્કેલી ન પડે તેવી રીતે કામ કરવા સૂચના આપી છે. સાથે ખેડૂતોની જરૂરિયાત મુજબ પાણી મળે તેવી વ્યવસ્થા ગોઠવવા સૂચના આપી છે. ખેડૂતોને 8 કલાક વીજળી માટે MGVCL માં અધિકારીઓને યોગ્ય કરવા સૂચના આપી છે. આ સાથે વાઘોડિયાના ધારાસભ્યની રજુઆતમાં જિલ્લામાં 8 સ્થળે યાત્રાધામ અને પ્રવાસન સ્થળ વિકસાવવા નિર્ણય કરવામાં આવ્યો છે.