- ધનોરાના જગતપુરા ગામના યુવાને બુટલેગરોના ત્રાસથી કલેક્ટર કચેરી ખાતે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો
- હોમગાર્ડના જવાનોએ યુવાનનો જીવ બચાવ્યો
- સમગ્ર ઘટનાથી કલેક્ટર કચેરી ઉહાપોહ
વડોદરા : શહેર નજીક આવેલા ધનોરાના જગતપુરામાં રહેતો યુવાન છેલ્લા ઘણા મહિનાઓથી બુટલેગરોના ત્રાસથી ત્રાહિમામ પોકારી ઉઠ્યો છે. જે કારણે બુધવારના રોજ કેરોસીન ભરેલા કેન સાથે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચી આત્મવિલોપન કરવાનો પ્રયાસ કરતા ઉહાપોહ મચ્યો હતો.
છેલ્લાં 3 વર્ષથી યુવકને ગામમાં પ્રવેશવા દેતા નથી બુટલેગરો
વડોદરા શહેર નજીક ધનોરાના જગતપુરા ગામમાં નરેશ ગોવિંદભાઇ ગોહિલ પરિવાર સાથે રહે છે. ત્રણ વર્ષ પૂર્વે તે ગામમાં દારૂનો ધંધો કરતા ઉપેન્દ્ર ગોહિલ અને મહેશ ગોહિલ નામના બુટલેગરના ત્યાં કામ કરતા યુવાનના કહેવાથી બુટલેગરના ઘરે મોબાઇલ ફોન આપવા માટે ગયો હતો. જ્યાં બુટલેગરોના ઘરે કોઇ ન હોવાથી નરેશ બુટલેગરોના ઘરમાં હાજર મહિલાઓને મોબાઇલ ફોન આપ્યો હતો. જેની અદાવત રાખી બુટલેગરોએ નરેશ ગોહિલને માર માર્યો હતો અને ગામમાં રહીશ તો જાનથી મારી નાંખીશું તેવી ધમકી પણ આપી હતી.
પુત્ર આત્મવિલોપન કરવાનો હોવાની વાતે માતા-બહેન સહિત પરિવારજનો ઘટના સ્થળે દોડી આવ્યા
બુટલેગરોની ધમકીથી ફફડી ગયેલા નરેશ ગોહિલ સાવલી તાલુકાના સીતાપુરા ગામમાં રહેતા મામાના ઘરે રહેવા માટે જતો રહ્યો હતો. બુટલેગરોના ડરથી પુત્ર નરેશ આત્મવિલોપન કરવાનો હોવાની જાણ માતા-બહેન સહિત પરિવારને થતાં પરિવારજનો કલેક્ટર કચેરી દોડી આવ્યા હતા. જ્યાં નરેશની માતા-બહેન સહિતના પરિવારજનોએ પોલીસ સામે રોષ ઠાલવી બુટલેગરો સામે કાર્યવાહી કરવાની માંગણી કરી હતી. નરેશ ગોહિલે પણ બુટલેગરોથી રક્ષણ આપવા અથવા મરી જવા દો, તેમ જણાવ્યું હતું. કેનમાં કેરોસીન લઇને આવી પહોંચેલા નરેશ ગોહિલ અને તેના પરિવારજનોના હોબાળાથી કલેક્ટર કચેરીમાં ઉહાપોહ વ્યાપી ગયો હતો. ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણાં સમયથી આ યુવક અને તેનો પરિવાર પોલીસ મથકે બુટલેગરો વિરુદ્ધ ફરિયાદ કરવા છતાં કોઈ કાર્યવાહી નહીં થતા પોલીસની કામગીરી પણ શંકાના દાયરામાં આવી હતી.