વડોદરાઃ કોરોના વાયરસને પગલે ચીનથી ભારત પરત આવ્યા બાદ 18 દિવસથી હરિયાણાના માનેસર કેમ્પ અને દિલ્હીના છાવલા ખાતે આઇટીબીપી સેન્ટર ખાતે રાખવામાં આવેલા વડોદરા 2 વિદ્યાર્થીઓ સહિત ગુજરાતના 40 વિદ્યાર્થીઓ ઘરે પરત ફર્યાં છે. જેથી તેમના પરિવારજનોમાં ખુશી વ્યાપી ગઇ છે.
શ્રેયા અને વૃંદે જણાવ્યું હતું કે, ચીનના વુહાનમાં અમને સતત કોરોના વાયરસના ચેપનો ડર સતત લાગ્યા કરતો હતો. તમામ વિદ્યાર્થીઓના કોરોના વાયરસના રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ વિદ્યાર્થીઓને રજા આપવામાં આવી અને તબક્કાવાર વિદ્યાર્થીઓને ઘરે મોકલવામાં આવ્યા હતા.
ચીનના વુહાન શહેરમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. જ્યાં વુહાનની હુબેઇ યુનિવર્સિટી સહિત વિવિધ યુનિવર્સિટીઓમાં ગુજરાતના 40 વિદ્યાર્થીઓ ફસાયા હતા. જેમાં વડોદરાના પણ બે સ્ટુડન્ટ ફસાયેલા હતા. જેમાં વડોદરાના નવાયાર્ડ ડી કેબિન સ્થિત રેલવે કોલોનીની વિદ્યાર્થિની શ્રેયા જૈમન અને સમા તળાવ વિસ્તારનો વિદ્યાર્થી વૃંદ પટેલ પણ સામેલ હતા. જોકે ભારત સરકારે ચીનના વુહાન એરપોર્ટથી તમામ વિદ્યાર્થીઓને ગત 31 જાન્યુઆરીએ એરલિફ્ટ કર્યાં હતા. ત્યારબાદ તમામ વિદ્યાર્થીઓને ઓબ્ઝર્વેશન માટે હરિયાણાના માનેસર અને દિલ્હીના છાવલા ખાતે આઇટીબીપી સેન્ટર ખાતે રાખવામાં આવ્યા હતા. જ્યાં તમામ વિદ્યાર્થીઓના કોરોના વાયરસના નેગેટિવ રિપોર્ટ આવ્યા હતા. ત્યારબાદ તબક્કાવાર વિદ્યાર્થીઓને ઘરે મોકલવામાં આવ્યા હતા.
ચીનમાં MBBSનો અભ્યાસ કરતો વૃંદ પટેલ જણાવ્યું હતું કે, મારો કોરોના વાયરસનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે અને તેનું સર્ટિફિકેટ પણ આપ્યું છે. જેથી રજા મળ્યા બાદ હું કાલે રાત્રે આઠ વાગ્યે ઘરે પરત ફર્યો છું. પરિવારને મળીને ખૂબ જ ખુશ છું. પરંતુ જ્યારે અમે ચીનના વુહાન શહેરમાં હતા ત્યારે અમને કોરોના વાયરસના ચેપ લાગવાનો સતત ડર લાગ્યા કરતો હતો. ત્યાં મુશ્કેલીઓ ઘણી હતી કે, નળનું પાણી ઉકાળીને પીવુ પડતું હતું. પરંતુ ત્યાંની સરકારનો સપોર્ટ સારો હતો અને ભારત સરકારે અમને પરત લાવ્યા તે બદલ તેમનો હું આભાર માનુ છું. હુબેઇ યુનિવર્સિટીના અમારા પ્રોફેસર દ્વારા અમને જાણવા મળ્યું છે કે, 1 માર્ય સુધી અમારા ઓનલાઇન ક્લાસ શરૂ થશે જેથી અમારો અભ્યાસ ન બગડે.