- પાદરામાં બરોડા ડેરીની ચૂંટણીમાં ઉમેદવારોના પ્રચારનો ધમધમાટ
- સ્વર્ગસ્થ અહેમદ પટેલને શ્રધ્ધાંજલિ પાઠવી
- તા.28 એ મતદાન અને તા. 29 એ મતગણતરી
વડોદરા : પાદરા ખાતે બરોડા ડેરીની નિયામક મંડળની ચૂંટણી અંતર્ગત પાદરા ઝોનના કોંગ્રેસ પ્રેરિત ઉમેદવાર નરેન્દ્રભાઈ પટેલ મુખીની ઉમેદવારી અંતર્ગત પાદરા તાલુકાના ગ્રામ પંચાયતની તમામ ડેરીના પ્રમુખ - મંત્રીના સત્કાર , સન્માન સમારંભ આયોજન મુજપુર ખાતે ખાનગી રિસોર્ટમાં કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની શરૂઆતમાં કોંગ્રેસના રાજ્યસભા સાંસદ સ્વર્ગસ્થ અહેમદભાઈ પટેલ અને પૂર્વ કોંગ્રેસના જિલ્લાના નાણાં સમિતિ ચેરમેન મુજપુરના પ્રવિણસિંહ કેસરીસિંહને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
ઉપસ્થિત અગ્રણીઓએ કોંગ્રેસના ઉમેદવારને વિજયી બનાવવા અપીલ કરી
આ કાર્યક્રમમા ચોકારીના આગેવાન નટુભાઈ અને વડુના અર્જુનસિંહ પઢીયારએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. આ કાર્યક્રમમા આણંદની અમુલ ડેરીના વાઇસ ચેરમેન અને બોરસદના ધારાસભ્ય રાજેદ્રસિંહ પરમાર ,વડોદરા જિલ્લા પંચાયતના માજી ઉપ પ્રમુખ મુબારક પટેલ ,પાદરાના ધારાસભ્ય જસપાલસિંહ પઢીયાર, વડોદરા જિલ્લા પંચાયતના માજી કારોબારી ચેરમેન અર્જુનસિંહ પઢીયાર તેમજ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે નરેન્દ્ર મુખીને જંગી મતોથી બરોડા ડેરીની ચૂંટણીમાં વિજય અપાવવા અપીલ કરી હતી. ત્યારે પાદરામાં ભાજપ પ્રેરિત ઉમેદવાર દિનુ મામા અને કોંગ્રેસના નરેન્દ્ર મુખી વચે જંગ જામશે.