- બરોડા ડેરીની ચૂંટણી માટે ડેરી ખાતે મતદાન શરૂ
- કોવિડ ગાઈડલાઈન મુજબ મતદાન ચાલી રહ્યું છે
- 13 બેઠકોમાંથી 6 બેઠકો બિનહરીફ જાહેર
- 7 ઝોનની બેઠકો માટે કુલ 594 દૂધ ઉત્પાદકો મતદાન કરશે
વડોદરાઃ બરોડા ડેરી તરીકે જાણીતી વડોદરા જિલ્લા સહકારી ક્ષેત્રે સૌથી મોટી વડોદરા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી મંડળીની 13 ઝોનમાંથી 7 ઝોનનાં ડિરેક્ટરોની આજ રોજ ચૂંટણી યોજાઇ રહી છે. ચૂંટણી અધિકારી એસડીએમ વિજય પટનીની દેખરેખ હેઠળ બરોડા ડેરીની ચૂંટણીનું મતદાન શરૂ થયું હતું. જેમાં કોવિડ 19ની ગાઈડલાઈન મુજબ સોશિયલ ડિસ્ટન્સ સહિત સેનેટાઇઝિંગ અને માસ્ક પહેરીને મતદાન કરવામાં આવી રહ્યું છે.
- પ્રથમ કલાકમાં 11.26 ટકા મતદાન થયું
વડોદરાની 80 વર્ષ જૂની એક માત્ર વડોદરા દૂધ ઉત્પાદક સહકારી મંડળીની નિયામક મંડળની ચૂંટણી આજે યોજાઈ.13 બેઠકો માંથી 6 બેઠકો બિનહરીફ જાહેર થતાં 7 ઝોનની બેઠકો માટે મતદાન યોજાયું છે.
7 ઝોનમાં થઈને કુલ 594 દૂધ ઉત્પાદકો પોતાના વિસ્તારના અગ્રણીની પસંદગી કરવા મતદાન કરશે. બરોડા ડેરીના પરિસરમાંજ મતદાન કેન્દ્રો ઉભા કરવામાં આવ્યાં છે. કોવિડ 19ની ગાઈડ લાઈન મુજબ માસ્ક પહેરીને જ મતદારોને મતદાન કરવા પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. અલગ અલગ સ્થળો પર હેન્ડ સેનેટાઈઝર મુકવામાં આવ્યાં છે .પાદરા, ડભોઇ, સંખેડા, વડોદરા, સાવલી, ડેસર, તિલક વાડા/ શિનોર ઝોનનાં ડિરેક્ટરોની ચૂંટણી યોજવામાં આવી છે.
આજે બપોરે 3 વાગ્યા સુધી મતદાન પૂર્ણ થશે અને આવતી કાલે 29 ડિસેમ્બરે મતગણતરી કરવામાં આવશે. મુખ્ય મુકાબલો પાદરા બેઠક પર છે જેમાં બે પૂર્વ ધારાસભ્ય દિનેશ પટેલ ઉર્ફે દીનુ મામા અને નરેન્દ્ર પટેલ ઉર્ફે મુખી વચ્ચે ચૂંટણી જંગ લડાઈ રહ્યો છે.